વલસાડ

કોરોના મહામારીમાં રાજ્યભરમાં યોજાતા યુવા બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ કૃતિઓનો વિજ્ઞાન મેળો મોકૂફ રહ્યો છે. તેના બદલે જે તે શાળાના બાળકોએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓનો મોબાઈલ વિડીયો ઉતારી સીડી બનાવી તે નિરીક્ષકો દ્વારા જાેઈને પરિણામ જાહેર કરવામાં તા.૨૫-૨૬/૩માં ખેરગામ કુમારશાળામાં ક્લસ્ટર કક્ષાએ વર્ચ્યુઅલ વિજ્ઞાન મેળો યોજાયો હતો.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારીના માર્ગદર્શન હેઠળ ઑનલાઇન સ્પર્ધામાં પાંચ વિભાગમાં ૨૫ કૃતિએ ભાગ લીધો હતો જેમાં બી.આર.સી.ભવન ખેરગામ ખાતે બે દિવસમાં છ નિર્ણાયકો દ્વારા ૫ શ્રેષ્ઠ કૃતિ જિલ્લા કક્ષા માટે પસંદગી પામી છે.

નાધઈ પ્રાથમિક શાળાની ઇકો ફ્રેન્ડલી હાઉસ કૃતિ, બંધાડ ફ. આછવણીની આધુનિક કચરાપેટી, કન્યા શાળા ખેરગામની નોલેજ ડેવલપમેન્ટ કવીઝ, કુમાર શાળા ખેરગામની લાઈ-ફાઈ ટ્રાન્સમિશન અને દેશમુખ ફ. કાકડવેરીની ચતુષ્કોણના ગુણધર્મો ચકાસીએ- કૃતિ જે તે વિભાગમાં શ્રેષ્ઠ નીવડી છે.

ભાવિ બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરાવનાર વિજ્ઞાન શિક્ષકો, શાળા પરિવાર, બ્લોકના ટેકનિકલ સેવા આપનાર વિ.ના સહયોગથી તાલુકા કક્ષાનું સંચાલન તા.પ્રા.શિ.અધિકારી કિરીટભાઈ પટેલ અને બી.આર.સી કો-ઓર્ડીનેટર અમૃતભાઈ પટેલે કર્યું હતું. ભાગ લેનાર તમામ કૃતિકર્તા અને પસંદગી પામેલ પ કૃતિકર્તા-નિર્ણાયકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.