જામનગર, જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત લેતા રાજકીય માહોલ ગરમાયો હતો. શહેરમાં ચર્ચાઓએ પણ જાેર પકડ્યું હતું. બપોર બાદ નરેશ પટેલે જામનગર શહેરમાં અનેક જગ્યાએ આગેવાનોની ઓફિસ તેમજ નિવાસસ્થાનોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓ કોઈપણ રાજકીય લોકોને મળ્યા નહોતા અને સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની જામનગરની મુલાકાત પાછળ કારણ શું હશે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે જામનગરની મુલાકાત લીધી હતી, જે દરમિયાન રણજીતનગર પટેલ સમાજ તેમજ સમાજના સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠીઓની તેમણે મુલાકાત લીધી હતી. આ સિવાય ખોડલધામના પાયાના કાર્યકરો અને પૂર્વ હોદ્દેદારો સાથે પણ તેમણે મિટિંગ યોજી હતી. ત્યારબાદ તેમણે જામનગર જિલ્લા ખોડલધામ સમિતિની કાર્ય મુલાકાત લીધી હતી, જે દરમિયાન ખોડલધામ સમિતિના કન્વીનર તથા મહિલાઓ પણ મિટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતાં. નરેશ પટેલે જામનગરમાં અલગ-અલગ પાંચથી વધુ જગ્યાએ મીટીંગ યોજી હતી. જેમાં આગેવાનોના નિવાસસ્થાને જઇ મિટિંગો કરતાં અને સૂચનો લેવાતાં સમાજને પડતી મુશ્કેલીના પ્રશ્નો પણ તેમની સામે આવ્યા હતા. આ સિવાય તેમની આ મુલાકાતના સંદર્ભે જામનગરમાં અનેક તર્ક-વિતર્કો પણ સર્જાયા હતા.