01, એપ્રીલ 2021
વડોદરા
રાજ્યમાં અને દેશમાં આજકાલ કોરોના મહામારીએ માઝા મૂકી છે તેવામાં વડોદરાની એસએસજી હોસ્પીટલમાં તાજા જન્મેલા 8 નવજાત શિશુઓમાં કોરોનાના લક્ષણો પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ એકદમ હરકતમાં આવી ગયું છે, નવજાત બાળકો માટે એસએસજી હોસ્પીટલમાં ખાસ પ્રકારના આઇસોલેશન વોર્ડની સુવિધા તૈયાર કરી દેવામાં આવી છે. શહેરમાં જે રીતે કોરોનાનો ફરી પગ પેસારો થઈ રહ્યો છે તે જોતા શહેરની ખાનગી હોસ્પીટલોમાંથી પણ નવજાત બાળકોમાં કોરોના પોઝીટીવ આવ્યાના સમાચાર મળી રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવારમાં જે દવાઓ નો ઉપયોગ મોટી ઉમરના દર્દીઓમાં કરવામાં આવે છે તે દવાઓ નાના અને નવજાત બાળકોને તે દવાઓ આપી શકાતી નથી, રાજ્યસરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડોદરાની એસએસજી હોસ્પીટલના પીડીયાટ્રીક વિભાગમાં 8 બાળકો કોરોના પોઝીટીવ જણાઈ આવ્યા છે જેમાંથી 5 બાળકોને હોમ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા છે જેમનું આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, અને ત્રણ બાળકોનું હોસ્પિટલ ખાતે સરકારની સુચના મુજબની ગાઈડ લાઈન પ્રમાણે સારવાર કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે બાળકોમાં કોરોના પોઝીટીવ આવવા અંગે એક નવું તારણ સામે આવ્યું છે કે આ રોગ જાણે કે વારસાગત હોય તેમ જે બાળકના માતા-પિતાને કોરોના થયો હોય તેવા માંબાપના બાળકો પણ કોરોના સંક્રમિત આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સતત પરિસ્થિતિનું મોનીટરીંગ કરી રહ્યા છે.