મુંબઇ, ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા પહેલી જુલાઈના રોજ યોજાયેલા વેબિનારમાં દેશ-વિદેશથી નામાંકિત તંત્રીઓ અને પત્રકારો જાેડાયા હતા. મુંબઈ સમાચારના સ્થાપક ફરદુનજી મર્ઝબાનનું પુણ્ય સ્મરણ કરીને પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો સંદેશ રજૂ કરાયો હતો. મુંબઈ સમાચારને ૨૦૦મા જન્મદિવસની વધામણી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતી પત્રકારત્વ ૨૦૦મા વર્ષમાં પ્રવેશ કરે છે, એ વિરલ ઘટના છે. સમગ્ર એશિયા ખંડમાં સતત બસો વર્ષથી પ્રકાશિત થતું હોય તેવું અખબાર મુંબઈ સમાચાર છે, એ મોટી સિદ્ધિના વાત છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતી પત્રકારત્વ ભવ્ય છે. અનેક તંત્રીઓ અને પત્રકારોએ ગુજરાતી પત્રકારત્વને સમૃદ્ધ કર્યું છે. પત્રકારત્વ સમાજના ઉત્થાનનું કામ પણ કરી શકે છે તેવું સાબિત પણ થયું છે. અખબારોને ચોથી જાગીર ગણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે અખબાર સમાજના દર્પણ તરીકે રોલ અદા કરે છે. પત્રકારત્વ ઈતિહાસ લખે છે તો ઈતિહાસ સર્જી પણ શકે છે. ગાંધીજીના પત્રકારત્વને યાદ કરીને તેમણે કહ્યું કે એ વખતના પત્રકારત્વે સ્વતંત્રતાની લડતને મોટો વેગ આપ્યો હતો. તેમણે કરશન મૂળજી સહિત વિવિધ તંત્રીઓના સમાજ સુધારણાના પત્રકારત્વને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સનસનાટી જન્માવવાના પ્રયાસમાં અતિ નકારાત્મક થવાથી લોકો હકારાત્મકતા કે આશાવાદ ગુમાવી ન બેસે તેનું પણ ધ્યાન રાખવું જાેઈએ. એ પછી સમિતિના લોગોનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ જાણીતા ચિત્રકાર કનુ પટેલે કર્યું હતું. તેમણે જ આ લોગોનું સર્જન કર્યું છે. આ પ્રસંગે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિના પ્રમુખ અને જન્મભૂમિ ગ્રુપના મુખ્ય તંત્રી કુંદન વ્યાસે જણાવ્યું હતું કે આ અવસર માત્ર મુંબઈ સમાચાર માટે નહીં, ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા તમામ માટે મોટો ઉત્સવ છે. કોઈ અખબાર સાતત્ય સાથે બસો વર્ષ ચાલે અને પોતાનું નામ અને માન સાચવી રાખે એ મોટી સિદ્ધિ છે. તેમણે ઉમેર્યું હતું કે પત્રકારો કે તંત્રીઓને એવોર્ડ અપાતા હોય છે,