રાજકોટ, આગામી સમયમાં યોજાનારી ધારાસભાની ચૂંટણી પુર્વે ભાજપ દ્વારા જે રીતે જ્ઞાતિ-જાતિના સમીકરણોને બેલેન્સ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં રવિવારે રાજકોટમાં યોજાયેલી કોળી સમાજની બેઠકમાં અસંતોષના સુર કઢાયા બાદ આજે એક ઓચિંતા પગલામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ કોંગ્રેસમાંથી આવેલા જસદણના ધારાસભ્ય અને પુર્વ રાજયમંત્રી કુંવરજી બાવળીયા તથા રાજુલા વિસ્તારને ભાજપના અગ્રણી હીરાભાઈ સોલંકી સહિતના ચાર થી પાંચ અગ્રણીઓને ગાંધીનગર બોલાવીને તેમની સાથે બેઠક કરતા પુર્વ સાંસદ દેવજી ફતેપરા ભડકી ગયા છે અને કુંવરજીભાઈ પર સમાજની એકતા તોડવાનો આરોપ મુકયો હતો. પાટીલએ ચતુરાઈપૂર્વક બાવળીયા અને દેવજી ફતેપરાને અલગ કર્યા છે અને આજે ફકત કુંવરજી બાવળીયા તથા હીરાભાઈ સોલંકીને તથા અન્ય એક-બે આગેવાનોને બોલાવ્યા હતા. ગાંધીનગર પહોંચેલા શ્રી બાવળીયાએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. જાે કે તેમણે ફતેપરા અંગે બોલવાનું ટાળ્યું હતું. શ્રી દેવજીભાઈ ફતેપરાએ અગાઉ એવુ જણાવ્યુ હતું કે ભાજપના મોવડીમંડળ સમાજના આગેવાનને બોલાવે તો કોણે કોણે જવું તે હું અને કુંવરજીભાઈ નકકી કરવાના હતા પણ કુંવરજીભાઈએ રામ-લક્ષ્મણની જાેડી તોડી હોવાનો આરોપ મુકયો હતો. તેમણે કહ્યું કે હવે સમાજના અગ્રણીઓ સાથે હું ચર્ચા કરીશ. પાટીલ તેમને બોલાવશે કે કેમ તે અંગેના પ્રશ્ર્‌નના જવાબમાં કહ્યું હતું કે જયારે બોલાવશે ત્યારે ર્નિણય લેશું.