ભુજ-

કચ્છમાં આધિપત્ય જમાવતા છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં લઘુત્તમ તાપમાને હનુમાન કુદકો મારતા પારો ઉંચકાઈને આજે ૯.૧ ડિગ્રી પર સ્થિર થયો હતો. મળતી માહિતી મુજબ હવામાન વિભાગે અગાઉ જ કોલ્ડવેવની આગાહી કરી હતી, જે સાચી ઠરતા કચ્છમાં ધ્રુજાવી દેનારી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો નીચે સરકવાની સાથોસાથ ઠારનું પ્રમાણ પણ તીવ્ર બનતા જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે.

નલિયામાં પુનઃ પારો સીંગલ ડિજીટમાં સરકી ગયો છે. ગઈકાલે લઘુત્તમ પારો ર.૭ ડિગ્રી નોંધાયો હતો, જેમાં આજે ૬.૪ ડિગ્રીનો વધારો થતા ૯.૧ પર સ્થિર થયો હતો. નલિયામાં ર૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં હનુમાન કુદકો જોવા મળ્યો છે. જો કે, લોકોને ઠંડીથી જરા સરખી પણ રાહત મળવા પામી ન હતી. ઠંડીના પ્રમાણને જોતા હવામાન વિભાગ દ્વારા નોંધાતા આંકડામાં ભેદભરમ હોવાની વાત સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી. જિલ્લા મથક ભુુજમાં ૧૦ ડિગ્રી તાપમાન રહ્યું હતું, તેની સામે કાતિલ ઠારે લોકોને બરાબરના ધ્રુજાવી દીધા હતા. કંડલા એરપોર્ટ પર ૯.૧ અને ન્યુ કંડલામાં ૧૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.