ભુજ-

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બુધવાર અને ગુરુવાર એમ બે દિ' કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. અમિતભાઈ બુધવારે સાંજે ભુજ ઍરપોર્ટ ઉપર ખાસ વિમાનમાં આવી પહોંચશે. જોકે, અમિતભાઈ રાત્રિ રોકાણ ક્યાં કરશે એ વિશે કોઈ વિગતવાર માહીતિ આવી નથી. પણ, કચ્છમાં વહીવટીતંત્રએ ભુજ અને ધોરડો એમ બંને જગ્યાએ રાત્રિ રોકાણ માટેની તૈયારી કરી લીધી છે. ગુરુવારે પ્રવાસન ક્ષેત્રે વિખ્યાત બનેલા કચ્છના ધોરડો મધ્યે રણ વચ્ચાળે સરહદ વિસ્તાર વિકાસ અંગેનો કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ પણ હાજર રહેશે એવું જાણવા મળી રહ્યું છે. અમિતભાઈની અધ્ક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના ત્રણ સરહદી જિલ્લા પાટણ, બનાસકાંઠા અને કચ્છના ૧૫૦૦ જેટલા સરપંચો ઉપસ્થિત રહી સરહદી વિસ્તાર અંગે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ માટે અત્યારે ધોરડો મધ્યે વિશાળ ડોમ ઉભો કરાઈ રહ્યો છે. ધોરડો, દિનારાના મોવડી-સરપંચો સંબોધશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૨મીએ ધોરડો સફેદ રણમાં યોજાનારા કાર્યક્રમમાં ધોરડોના સરપંચ અને દિનારાના ઉપસરપંચ પૈકી કોઇ એક ઉપસ્થિત સરપંચો, ગ્રામજનોને સંબોધે તેવી શક્યતા સેવાઇ રહી છે.