કચ્છ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આવતીકાલે મંગળવારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની વડાપ્રધાન તરીકેની ચોથી મુલાકાત છે, જયારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે તેમણે કચ્છની 80થી વધુ મુલાકાત લીધી હતી. કચ્છની આ મુલાકાતના પગલે તૈયારીઓ અને આયોજનનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખાસ કરીને કચ્છના મોટા રણમાં જ્યાં સોલાર એનર્જી પાર્કનું શિલાન્યાસ થશે, ત્યાં સુરક્ષા સુવિધા અને સાધનો માટે તંત્રની વિવધ ટીમો કામે લાગી છે. વડાપ્રધાન મોદી 14 ડિસેમ્બરે કચ્છ પહોંચવાના હતા અને 15 ડિસેમ્બરે સવારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર થયાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છ રણોત્સવની ટેન્ટ સીટીમાં વડાપ્રધાનનું રાત્રિ રોકાણ રદ થયું છે. જેથી PM મોદી 15 ડિસેમ્બરે ભુજ પહોંચશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંગળવારે કચ્છ મુલાકાત સંદર્ભે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણ આહિરે આજે સોમવારે શનિવારે ધોરડો ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. વાસણ આહિરની અધ્યક્ષતા હેઠળ અને કલેક્ટર પ્રવિણા ડી.કે.ની આગેવાની હેઠળ યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છીઓ પ્રત્યે પ્રેમ દર્શાવે છે, ત્યારે એમના આગમનની વિશેષ ઘડીઓમાં સૌ તેમને સત્કારવા ઉત્સુક છે તેમ જણાવીને સમગ્ર કામગીરી સાથે સંકળાયેલા તમામ સંબિધત પદાધિકારી/અધિકારીઓને વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસની તકેદારી હેઠળ કાર્યક્રમને સફળ રીતે સાકાર કરવા વિવિધ ચર્ચા કરાઈ હતી. ધોરડો ખાતે યોજાનારા કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે, ત્યારે કાર્યક્રમમાં જોડાનારા સર્વે મહાનુભાવો, અગ્રણીઓ, સ્થાનિકો અને આ કામગીરી સાથે સંકળાયેલા તમામને કોવિડ- 19 માર્ગદર્શિકા અનુસરવા અને તે પ્રમાણે આરોગ્ય વિભાગને કામગીરી કરવા પણ સૂચિત કર્યા હતા. આ સાથે જ માંડવી અને ધર્મશાળાના પ્રજા કલ્યાણકારી વિકાસ કામ સી-વોટર ડિસેલીનેશન પ્રોજેક્ટ અને સોલાર એનર્જી પાર્કના થનારા ભૂમિ પૂજન માટે થયેલી સમગ્ર કામગીરીનો તાગ મેળવીને રાજ્ય પ્રધાન વાસણ આહિરે કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીઓને તકેદારી રાખવા પણ અનુરોધ કર્યો હતો.