કચ્છ, કચ્છમાં માનવ વસતી કરતા પશુઓની વસતી વિશેષ છે. જેના કારણે દર વર્ષે હજારો પશુઓ વિવિધ રોગ અને અકસ્માતના ઈલાજ માટે અહીંના પશુ સારવાર કેન્દ્રો તેમજ જિલ્લા વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય ખાતે સારવાર લેતા હોય છે. ત્યારે જિલ્લાના એકમાત્ર વિવિધલક્ષી ચિકિત્સાલય ખાતે તબીબો અને કર્મચારી સહિતના સ્ટાફની અછત છે. તેમજ સંશાધનોની પણ અછત છે. ચિકિત્સાલયને જાે યોગ્ય રીતે અપગ્રેડ કરવામાં આવે તો કચ્છના પશુઓની ઉત્તમ સારવાર થઈ શકે તેમ છે. ખેતીવાડી બાદ પશુપાલન જ્યાં સૌથી મોટો વ્યવસાય છે તેવા કચ્છ જિલ્લામાં સરકારી આંકડા મુજબ ૨૦ લાખ જેટલા પશુઓ આવેલા છે. તો જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પશુ સારવાર કેન્દ્ર ઉપરાંત જિલ્લાના મુખ્યમથક ભુજમાં જિલ્લાનું એકમાત્ર વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય આવેલું છે. દર વર્ષે અંદાજે ૧૦ હજાર જેટલા પશુઓ આ ચિકિત્સાલય ખાતે સારવાર લે છે.

૧૯૯૦માં બનેલી આ વેટરનરી પોલીક્લિનિક ખાતે મદદનીશ નિયામક અને તબીબ સહિત ૧૨ લોકોનું મહેકમ છે પણ તેની સામે હાલ માત્ર ત્રણથી ચાર લોકોની જ જગ્યા ભરેલી છે. છેલ્લા પાંચ વર્ષોમાં ભુજ અને જિલ્લાના અન્ય શહેરોમાં ઘરમાં શ્વાન અને બિલાડી જેવા પશુઓ પાળવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે ત્યારે આ ક્લિનિક ખાતે રોજ મોટી સંખ્યામાં આવા નાના પશુઓની સારવાર કરવામાં આવે છે. આ સારવાર કેન્દ્રમાં વર્ષ ૨૦૧૦માં નવું ખરીદાયેલું એક્સ રે મશીન આજે ડાર્ક રૂમ ન હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યું છે, તો સાથે જ તે મશીનને ઓપરેટ કરી શકે તેવા ટેકનીશિયનની જગ્યા પણ ચિકુત્સયલમાં છેલ્લા લાંબા સમયથી ખાલી પડી છે.