વડોદરા

અકસ્માત થાય તે રીતે પુરઝડપે કાર હંકારવા બદલ રાહદારી નિવૃત્ત શિક્ષકે ટકોર કરતા જ વૃધ્ધ શિક્ષકને પોલીસ મથકમાં લઈ જઈ તેમના બંને ગાલે લાફા ઝીંકી દઈ કાનના પડદા ફાડી નાખનાર ડભોઈના તત્કાલીન પીઆઈ જે એમ વાઘેલા સામે પોલીસ અધિકારીઓએ કોઈ પગલા નહી લેતા પીઆઈ વિરુધ્ધ નિવૃત્ત શિક્ષકે કોર્ટમાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

ડભોઈમાં સ્વામીનારાયણ મંદિર પાછળ જગન્નાથપાર્ક સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય જગદીશચંદ્ર પટેલ સરકારી રિટાયર્ડ અધિકારી છે અને અગાઉ તે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગત ૨૮મી જાન્યુઆરીની સાંજે તે ડભોઈના નાંદોદી ભાગોળ પાસેથી પસાર થતા હતા તે સમયે ડભોઈના તત્કાલીની પીઆઈ જે એમ વાઘેલા સિવિલ ડ્રેસમાં કાર લઈને પુરઝડપે નીકળ્યા હતા અને તેમની કારથી બાઈકસવાર દંપતી વચ્ચે અકસ્માત થતો સહેજમાં રહી ગયો હતો. આ દ્રશ્યના પગલે જગદીશચંદ્રએ તુરંત પીઆઈ જે એમ વાઘેલાને કાર ધીમે ચલાવવા માટે ટકોર કરી હતી.

જાેકે આ ટકોરથી અહમ ઘવાતા જ પીઆઈ વાઘેલાએ તેમને જાહેરમાર્ગ પર તમે કોણ છો ? મને ઓળખો છે ? તેમ તુમાખીભર્યા સ્વરમાં પુછપરછ કરી અપમાનિત કર્યા હતા અને ત્યારબાદ તેમને બાઈક પર બેસાડીને પોલીસ મથકમાં લઈ જઈ તેમના વાળ પકડી તેમજ કાન ખેંચીને બંને ગાલ પર દસથી બાર લાફા ઝીંકી દઈ બહાદુરી બતાવી હતી. આ હુમલાથી જગદીશચંદ્રના બંને કાનના પડદા ફાટી ગયા છે જયારે આંખોમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ બનાવના એકમાત્ર ‘લોકસત્તા-જનસત્તા’માં અહેવાલ પ્રસિધ્ધ થતાં જિલ્લા પોલીસ વડાએ આ બનાવની ડીવાયએસપી કલ્પેશ સોલંકીને તપાસ સોંપી હતી. જાેકે અપેક્ષામુજબ ડીવાયએસપી સોલંકીએ ખાતાના માણસને બચાવી લીધો હોય તેમ હુમલાખોર પીઆઈ સામે કોઈ પગલા લેવાયા નથી. સાડા પાંચ માસ સુધી ન્યાય માટે ધક્કા ખાઈ રહેલા જગદીશચંદ્રને માત્ર પીઆઈ વાઘેલા અને ડીવાયએસપી કલ્પેશ સોલંકી જ નહી પરંતું સમગ્ર જિલ્લા પોલીસ તંત્રનો કડવો અનુભવ થતાં તેમણે આખરે કંટાળીને એડવોકેટ રાકેશભાઈ પરમાર મારફત ડભોઈ ચીફ જ્યુડીશિયલ મેજી.ની કોર્ટમાં પીઆઈ વાઘેલા મુજબ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સંદર્ભે કોર્ટે ૨૦૨ મુજબ કોર્ટ ઈન્કવાયરીનો આદેશ કર્યો છે.

માર માર્યા બાદ પણ પીઆઈએ ધમકી આપેલી

જગદીશચંદ્રએ કોર્ટ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને માર માર્યા બાદ પોલીસ મથકમાં તેમની પાસેથી કાગળ પર સહી કરાવી લેવાઈ હતી અને ત્યારબાદ પીઆઈ વાઘેલાએ કહ્યું હતું કે અધિકારીના કામમાં રૂકાવટની કલમ લાગી શકે અને દરેક ઈલેકશનમાં તમને પોલીસ મથકમાં હાજર રહેવું પડે તે કલમ અમે લગાવતા નથી અને ફરી કોઈ આવા બનાવમાં પડશો નહી ્‌ને બીજાને મદદ કરશો નહી.

ડીવાયએસપી કલ્પેશ સોલંકીની તપાસમાં છીડા

આ બનાવની કલ્પેશ સોલંકીને તપાસ સોંપાઈ હતી પરંતું તેમણે જગદીશચંદ્રની પુત્રીને જણાવ્યું હતું કે તમે સારવાર માટે મોડું કર્યું છે, સરકારી દવાખાનાના બદલે ખાનગી દવાખાનામાં સારવાર કરાવી છે અને આ કેસમાં કોઈ ગુનો બનતો જ નથી. બંને કાનના પડદા ફાડી નાખવાનો અને આંખોમાં પણ ઈજાનો ડોક્ટરનો રિપોર્ટ હોવા છતાં કલ્પેશ સોલંકીએ ફરિયાદીની પુત્રી સમક્ષ પીઆઈની તરફેણ કરતા તેમની તપાસમાં છીડા હોવાનું મનાઈ રહ્યું છે.