11, જુલાઈ 2020
અરુણાચલ પ્રદેશ-
છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેમાં સાત લોકોનાં મોત થયાં છે. તેમજ એક વ્યક્તિ ગુમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનની ઘટનાઓ પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને લોકોને મદદ માટેની ખાતરી આપી છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યના પાપુમ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભૂસ્ખલનની ઘટનામાં આઠ મહિનાની બાળકી સહિત એક પરિવારના ચાર સભ્યો દબાઇ ગયા હતાં. પાપુમ પારેના ડેપ્યુટી કમિશનર પીગે લીગુએ જણાવ્યું હતું કે, ભૂસ્ખલન ગુરુવાર અને શુક્રવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે થયું હતું. જેથી ઘરમાં સૂતા બધા સભ્યો દબાઇ ગયા હતા. પોલીસ,NDRF અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનમાં 7 લોકોનાં મોત થયાં છે. તેમજ એક વ્યક્તિ ગુમ છે. અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુએ લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને દરેક મૃતકના પરિજનોને તાત્કાલિક ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.