દિલ્હી-

કેન્દ્રના ફાર્મ કાયદાને લઈને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોનો વિરોધ ચાલુ છે. આ દેખાવોમાં હજારો ખેડૂત સામેલ થયા છે અને સરકારને કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. આંદોલનકારી ખેડુતોએ શરતી વાટાઘાટો માટેના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પ્રસ્તાવને પણ ઠુકરાવી દીધા છે. સૂત્રો માહિતી આપી હતી કે ખેડૂત આંદોલનને લઈને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરે રવિવારે રાત્રે મોટી બેઠક મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂત આંદોલન અંગે ચર્ચા થઈ હતી અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. ખેડુતોએ શરતી વાટાઘાટોના પ્રસ્તાવને નકાર્યા બાદ આ બેઠક થઈ હતી.

રવિવારે સવારે ખેડૂત નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં તેઓએ શરતી વાટાઘાટોના અમિત શાહના પ્રસ્તાવને ફગાવી દીધા હતા. ખેડૂત નેતાઓ કહે છે કે સરકાર વાટાઘાટો માટે અમારી ઉપર શરતો લાદી રહી છે, તેથી તેઓ દિલ્હી-હરિયાણા બોર્ડર પર પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે. સરકારે એ વિચારવાનું બંધ કરવું જોઈએ કે આ વાટાઘાટો ખેડૂતોને નવા કાયદાના ફાયદા બતાવવા માટે થઈ રહી છે. તેઓએ ખેડૂત નેતાઓ સમક્ષ પ્રસ્તાવ મૂકવો જોઇએ.