ગાંધીનગર-

મહેસાણાના વિજાપુરથી અમદાવાદ તરફ ધાડ પાડવા નીકળેલા બે શખ્સોને ગાંધીનગર LCBએ પેથાપુર પાસેથી ઝડપી પાડ્યા છે. બંને શખ્સો પાસેથી લોડેડ પિસ્તોલ, 18 કારતૂસ, મરચાની ભૂકી મળી આવી હતી. મૂળ ખંભાતના અને હાલ વિજાપુર રહેતા યુવકે ખંભાતની મહિલા સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તે માટે ઉત્તરપ્રદેશના બે શખ્સોને વાત કરી તેઓેએ એક શખ્સને પિસ્તોલ સાથે ગુજરાત મોકલ્યો હતો.

એલસીબી પી.આઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીમ સક્રીય હતી. ત્યારે પીએસઆઈ એ. જી. એનુરકારને આરોપીઓ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે મંગળવારે સવારે 11 વાગ્યે પેથાપુર ચોકડી પાસે અલગ-અલગ બાઈક પર આવેલા બે શખ્સોને દબોચી લીધા હતા. જેમાં ઉત્તરપ્રદેશનો મહમદમુકીમ મહમદઅબ્બાસ કુરેશ અને મહેસાણાના વિજાપુરના વિપુલ હરીભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું. મુકીમ પાસે દેશી બનાવટની લેથ મશીનકટ લોડેડ પિસ્તોલ મેગઝીન 3 કારતૂસ સાથે મળી આવી હતી. જ્યારે વિપુલ પાસે 15 નંગ કારતૂસ અને મરચાની ભુકી મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતાં વિપુલે પોતાના ઓળખીતા રસીદાબેન જાવેદભાઈ મનસુરીના કહેવાથી અમદાવાદ વટવા જીઆઈડીસી ખાતે એક શેડમાં રોકડ નાણાની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન બાબતે વિપુલે યુપીના પ્રતાપગઢના સાહિલ ઉર્ફે મસન ઉર્ફે પહેલવાન મહોમદ હબીબ કુરેશી અને સત્તારઅલી કુરેશીને જાણ કરી હતી. જે બંનેએ મુકીમને પિસ્તોલ અને કારતુસ સાથે મોકલ્યો હતો. સમગ્ર મુદ્દે એલીસીબીએ 10 હજારની પિસ્તોલ, 1800ની કિંમતના 18 કારતૂસ, 10 હજારના બે ફોન, 70 હજારના બે પલ્સર બાઈક, 800 રૂપિયા રોકડા મળી કુલ 92,600નો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપી સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. લૂંટ માટે ગુજરાત આવેલા આરોપી મુકીમ કુરેશી સામે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં લૂંટ અને હત્યાના પ્રયાસના ગુના દાખલ છે. જેમાં કહમડૌર ખાતે લૂંટ, માંધાતા ખાતે લૂંટ, આંતુ ખાતે લૂંટ તથા પોલીસ પર ફાયરિંગ કરવા જેવા ગુનો નોંધાયેલા છે. જ્યારે ચારેય ગુનામાં આરોપી વોન્ટેડ છે.