ગુજરાત કોંગ્રેસના વિપક્ષી નેતા અને પ્રમુખ બદલાવાના સંકેત, આ નામો પર લાગશે મોહર ?
21, ડિસેમ્બર 2020

અમદાવાદ-

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતા નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારી પદ છોડી શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરૃ કરી દીધી છે. જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ મોખરે છે. કેમ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર પાટીદાર કાર્ડ ખેલીને ભાજપને પરાસ્ત કરવાની વ્યૂહરચના ગોઠવી શકે છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં ફરી રાજકારણ ગરમાયું છે. પ્રભારી રાજીવ સાતવ બન્ને નેતાઓના રાજીનામા પત્ર લઈને દિલ્હી પહોંચ્યા છે. વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે. જ્યારે પ્રદેશ પ્રમુખની કમાન સંભાળી શકે તે માટે અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર અને હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ ટોપ પર છે. હાર્દિક પટેલને કાયમી પ્રમુખ બનાવી કોંગ્રેસ ભાજપ સામે ટક્કર લઈ શકે છે. 

અગાઉ ૨૦૧૫માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેનું કારણ પાટીદાર અનામત આંદોલન અને તેના નેતા હાર્દિક પટેલ હતા. હાર્દિક પટેલના કારણે ભાજપને ગામડાઓમાં મત મળી શક્યા નહોતા. જેની સામે કોંગ્રેસને વધુ મતો અને બેઠકો મળી હતી. હવે જ્યારે ફેબ્રુઆરીમાં ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. સાથે સાથે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની પણ શોધ ચાલી રહી છે. તે સંજોગોમાં નવા પ્રમુખ તરીકે હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને કાયમી પ્રમુખ બનાવી કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર લઈ શકે છે. 

ગુજરાતમાં કોંગ્રેસની કપરી સ્થિતિ છે. ત્યારે રાજ્યના પ્રભારી સાતવના પ્રભારી તરીકેના સમય દરમિયાન જ કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં, રાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હતા. હવે જ્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામુ ધર્યું છે ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદેથી રાજીનામુ ધરી દે તેવી શક્યતા જોવાઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution