26, જાન્યુઆરી 2021
વડોદરા : ઇલેક્ટ્રિક કાર માટે દુનિયામાં છવાયેલી રહેલી અમેરિકન કંપની ટેસ્લાને તેને પ્લાન્ટ ગુજરાતમાં નાંખવા માટે ગુજરાત સરકારે આમંત્રણ આપ્યું છે. ટેસ્લાએ તાજેતરમાં જ કર્ણાટકના બેંગ્લોર ખાતે ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રા.લિ. નામની કંપની રજિસ્ટર્ડ કરાવી છે. વિજય રૃપાણી સરકારે આ કંપનીનો પ્લાન્ટ ગુજરાતમાં નાંખવામાં આવેલ તે માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાત સરકારના એડિશલ ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું છેકે, ગુજરાત સરકારની ટેસ્લા સાથે વાતચીત ચાલે છે. સરકારે ટેસ્લાને ખાતરી આપી છેકે, ઇલેક્ટ્રિક કારના નિર્માણ માટે રાજ્યમાં તેનો પાયો નાંખવા માટે રાજ્ય સરકાર જરૃરી તમામ મદદ કરશે. ગુજરાતમાં અગાઉથી દેશની અગ્રણી મોટરકાર કંપનીઓના પ્લાન્ટ છે. આ ઉપરાંત કારની નિકાસ માટે કંડલા,મુંદ્રા સહિતના બંદરો પણ આવેલા છે. લોજિસ્ટિક રીતે પણ ગુજરાતમાં ઉત્પાદન મહત્વનું બની રહેશે. ધોલેરા, મધ્ય અને દ.ગુજરાત સહિતના સ્થળોએ કંપની તેના પ્લાન્ટ નાંખવા અંગે વિચારી શકે તે સહિતના વિવિધ લોજિસ્ટિક સ્થળોની માહિતી પણ આપવામાં આવી હોવાનું જણાવાય છે. હાલોલમાં હાલ એમજી મોટર્સ આવેલી છે ત્યારે આ વિસ્તારમાં પણ ઓટો એન્સિલરીનો લાભ મળી શકે છે. આ ઉપરાંત વડોદરાથી નજીક હોવાથી આંતરરાષ્ટ્રિય સ્તરે પણ મહત્વનું બની શકે છે. આ ઉપરાંત વૈકલ્પિક વિસ્તારમાં ભરૃચ જિલ્લાના દહેજનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. અગાઉ એવા અહેવાલ હતા કે, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર સાથે ટેસ્લા સંપર્કમાં છે અને આ રાજ્યોમાંથી કોઇ એક રાજ્યમાં તેનો પ્લાન્ટ નાંખવા વિચારશે.
ભારતમાં જે પહેલી ઇલેક્ટ્રિક કાર કંપની રજૂ કરશે તે મોડલ ૩ હશે. એક અહેવાલ મુજબ જૂન ૨૦૨૧થી ટેસ્લા ભારતમાં કામ શરૃ કરી દેશે.ભારતમાં જે પ્રથમ કાર ઉત્પાદન કરશે તે મોડલ ૩ હશે. આ કાર દેશમાં ૨૦૨૧ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. એક એવું પણ અનુમાન છેકે, આ કારનું ઝડપથી પ્રિ બુકિંગ શરૃ કરવામાં આવશે.
ગુજરાત ભારતમાં ઓટો સેકટર માટે મહત્વનું પ્રિમિયમ ઓટો હબ છે. ગુજરાતે ટેક્સના લાભ આપવા માટે પણ જણાવ્યું છે. મોડલ ૩ જે ભારતમાં રજૂ થશે તેની પ્રારંભિક કિંમત જ રૃ.૬૦ લાખ હશે. ટેસ્લા મોટર્સ આમ્સ્ટર્ડેમ દ્વારા ભારતમાં આ કાર્યવાહી શરૃ કરવામાં આવી શકે છે. એક વખત ચાર્જ કરવામાં આવ્યા બાદ કાર ૪૨૩ કિમી. ચાલી શકે છે. જ્યારે લોંગ રેંજ મોડલ ૩ કાર એક વખતના ચાર્જમાં ૫૬૮ કિમી ચાલી શકે છે.