આણંદ, તા.૧૮ 

આણંદ જિલ્લામાં વાજબી ભાવની ૬૭૪ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર કાર્યરત છે. પ્રતિમાસ જિલ્લાનાં ૨.૫૦ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને નિયત કરાયેલી કિંમતથી આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનું વિતરણ કરે છે. વાજબી ભાવની દુકાનના દુકાનદાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટેની આવશ્યક ચીજવસ્તુનો જથ્થો સમયસર મેળવવા માટે ઓનલાઇન પરમીટ જનરેટ કરવાની હોય છે. તેનાં નિયત કરેલાં સમયે નાણાં ભરવાનાં હોય છે. પરમીટનાં જથ્થા માટે સમયસર નાણાં ન ભરતાં નિસરાયાના દુકાનદારનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ રખાયો હતો.

ઓગસ્ટ માસમાં સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને વધારાની ખાંડ તથા કપાસીયા તેલનું વિતરણ કરવાનું હતું. તમામ દુકાનો પર આવશ્યક ચીજવસ્તુ નો જથ્થો પહોંચાડવાનો હતો, જેથી દુકાનદારે ૧લી ઓગસ્ટ પહેલાં ચલણ જનરેટ કરી નાણાં ભરવા જરૂરી હતા. દરમિયાનમાં સમીક્ષા કરતાં બોરસદ તાલુકાનાં વાજબી ભાવની દુકાન નિસરાયા સેવા સહકારી મંડળી દ્વારા સમયસર નાણાં નહીં ભરવાનાં કારણે રેશનકાર્ડ ધારકો માટેનો જથ્થો સમયસર પહોંચેલા ન હતો. આ દુકાનદાર દ્વારા અગાઉનાં મહિનાઓમાં પણ આ જ મુજબની બેદરકારી દાખવેલી હોવાનું જણાતા બોરસદ મામલતદાર એ.એમ. સેરસીયાએ આ દુકાનદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી હતી. રેશનકાર્ડ ધારકોને સમયસર જથ્થો ઉપલબ્ધ ન કરાવવાની ગંભીર બેદરકારી દાખવનાર તથા અવારનવાર એ જ પ્રકારની ભૂલનું પુનરાવર્તન કરનાર નિસરાયા સેવા સહકારી મંડળીનો પરવાનો જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ ૯૦ દિવસ માટે મોકૂફ કરી રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુનો જથ્થો મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નજીકની દુકાનને ચાર્જ સુપરત કરવા મામલતદાર બોરસદને સૂચના આપી હતી.