ગાંધીનગર-

રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂા. ૨૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતાં રાજયના આરોગ્ય મંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, રાજયના નાગરિકોને ગુણવત્તાલક્ષી વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે અને રહેશે. એટલા જ માટે રાજય ભરના ખાનગી નિષ્ણાંત તબીબોની સેવાઓ લઇને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યાં છીએ. સ્થાનિક કક્ષાએ કલેકટરોને અધિકાર આપી રાજયના નિષ્ણાંત તબીબોની સેવાઓ સી.એમ.સેતુ યોજના દ્વારા માનદવેતનથી લઇ રહ્યાં છીએ. કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી ફેકટરીઓ – ઔધોગિક એકમો આવેલા છે. તેમાં જરૂરિયાત વાળા દર્દીઓને તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવા ગુજરાત સરકારે રૂા. ૨૬૦ લાખના ખર્ચે આ સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત આ વિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તરફથી ૭૨ લાખ રૂપિયા ખુટતા સાધનો માટે પ્રાપ્ત થયા છે. શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી પણ કલોલ શહેરને નગરપાલિકા ભવન, ટાઉનહોલ, બગીચા જેવી સુવિધાઓ મળી છે.

પ્રજાની તંદુરસ્તી જાળવવા મોંઘી સારવાર સહિતની તમામ સુવિધાઓ પણ આ હોસ્પિટલમાં અમારા આરોગ્ય વિભાગ દ્વારા મફત મળવાની છે. જુની બિલ્ડિંગ હતી ત્યારે પણ ૮૫ હજાર કરતા વધારે દર્દીઓ લાભ લેતા હતા. હવે નવું મકાન અને અદ્યતન સુવિધાઓ મળતાં સ્પેશિયલ મળશે. જેથી દર્દીઓને ગાંધીનગર કે સોલા સિવિલમાં મોકલવા નહીં પડે. રાશનકાર્ડ જેટલું જ મહત્વનું મા –વાત્સલ્ય કાર્ડ માનવીય સેવાઓ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કર્યું હતું. જેમાં રાજયના ગરીબ દર્દીઓને રૂા. ૩ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી. એ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગળ વધારીને આ યોજના હેઠળ રૂા. ૫ લાખની મર્યાદા કરી છે. અને એ જ યોજનાને વડાપ્રધાને આજે દેશભરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય દ્વારા અમલી બનાવી છે જે હેઠળ પણ રૂા. ૫ લાખની સારવાર વિનામૂલ્યે અપાય છે.

જે અંતર્ગત રાજયના ૪ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ અપાયા છે. આ યોજના હેઠળ ગત વર્ષે રૂા. ૯૦૦ કરોડની સારવાર રાજયના નાગરિકોએ મેળવી છે. જે ભૂતકાળમાં લોકોને દેવા કરીને કરવી પડતી હતી. આજે એ સમસ્યાઓ અમારી સરકારે દૂર કરીને હ્‌દય, કીડની, કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. મંત્રીએ કોરોના કાળમાં દર્દીઓની સેવા કરતાં આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવતા જણાવ્યું કે, કોરોના વેકસીન સૌ પ્રથમ જેમણે જીવના જાેખમે કોરોના દર્દીઓ કે જેમના માતા પિતા કે કુટુંબના સભ્યોને દુર રાખવામાં આવતા હતા અને ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને સફાઇ કામદારોએ આ કામગીરી કરી છે.