ભરૂચ, ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરના આઇસીયુ-૧,૨ માં શુક્રવારે મધ્યરાત્રીના સમયે ગોઝારી આગ લાગી હતી. આગમાં ૧૮ લોકો ભડથું થઈ ગયા હતા. એક સમયે પ્રાથમિક તબક્કે એવી વાતો વહેતી થઇ હતી કે એકાદ વેન્ટીલેટરમાં સંપર્કથી આગ લાગી હતી. ત્યારે બે દિવસ બાદ જીવ ગુમાવનાર ટ્રેની નર્સ માધવીના ભાઈ જય પઢીયારે એક વિડીયો સોસિયલ મીડિયા ઉપર વહેતો કર્યો હતો. મૃતક માધવીના ભાઈ જયના વીડિયોમાં તેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વૉર્ડમાં બેડ નંબર-૫ ના વેન્ટીલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી ન હતી, પરંતુ વોર્ડમાં રહેલા બીડી સિગારેટ પીવા વપરાતા એક લાઈટરે આ સમગ્ર અગ્નિકાંડ અને ૧૮ માસુમોના મોતમાં યમદૂતની ભૂમિકા ભજવી છે. જે અંગે વિડીયો થકી નિષ્પક્ષ તપાસની માંગ સાથે તેની બહેન માધવી અને અન્ય ૧૭ મૃતકોને પણ ન્યાય અપાવી સાચી હકીકત બહાર લવાઈ તેમ તે ઇચ્છી રહ્યો છે. મૃતક માધવીના ભાઈના વિડીયો મુજબ ઘટનાની રાતે આઈ.સી.યુ માં ટ્રેની નર્સ ફરીગા, માધવી, ચાર્મી અને જયમીની હતા. સામાન્ય ડોકટર સહિતનો સ્ટાફ ૧ થી ૧.૩૦ કલાકે રાતે નાસ્તો કરવા જતો હતો. જાેકે એ દિવસે સ્ટાફ આઈ.સી.યુ. ના દર્દીઓ અને ટ્રેની નર્સોને મૂકી ૧૨.૩૦ કલાક પહેલા નાસ્તો કરવા જતો રહ્યો હતો. ટેબલ પર બીડી સિગારેટ સળગાવવા માટેનું લાઈટર હતું, જે લાઈટર ક્યાંથી આવ્યું તેવો સવાલ પણ જયમીની, ચાર્મી અને બન્ને મૃતક ટ્રેની નર્સો ને થયો હતો. માધવી, ફરીગા ખાતુન પી.પી.ઇ. કીટ પેહરી આઈ.સી.યુ. માં હતી ત્યારે ચાર્મી અને જયમીની પણ ત્યાં આવ્યા હતા એ સમયે ત્યાં લાઈટર ફર્શ પર પડયુ હતું. લાઈટર ફર્શ પર પડી જતા જ તેમાં એક સ્પાર્ક થયો હતો અને આગની ચિનગારી ઉડતા નજીક જ રહેલી ફરાગીની પી.પી.ઇ. કીટને ચપેટમાં લીધી હતી. આઈ.સી.યુ. વોર્ડમાં સેનેટાઇઝરનો વધારે પડતો કરાયેલ ઉપયોગ અને દરેક બેડ પાસે રહેલા ૩-૩ ઓક્સિજન બોટલોને લઈ આગ ઝડપભેર પ્રસરવા લાગી હતી. ફરીગાએ બૂમ પાડતા માધવી તેને બચાવવા દોડતા તેની પણ પી.પી.ઇ. કીટ આગમાં પકડાઈ ગઈ હતી. બન્ને ટ્રેની નર્સ પી.પી.ઇ. કીટ પર પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કરવા માટે બાથરૂમ તરફ દોડી હતી. આ જ સમયે આગના કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ જતા આગ વચ્ચે આઈ.સી.યુ. વોર્ડમાં અંધકાર છવાઈ ગયો હતો. જ્યારે જયમીની દરવાજા પાસે જ હોય તે આસાનીથી બહાર નીકળી ગઈ હતી. ચાર્મી ગોહિલ છેલ્લા કેટલાય દિવસથી આઈ.સી.યુ. માં ફરજ બજાવતી હોય તેને અંધારામાં આગ વચ્ચે બહાર જવાનો રસ્તો ખબર હોય તે બહાર નીકળવાનો પ્રયાસ જેમ તેમ કરીને કર્યો હતો. જેમાં પગમાં પહેરેલા ચપ્પલ આગમાં ચોંટી જતા તે ચપ્પલ ઉતારી બહાર જતા પગમાં આગથી દાઝી ગઈ હતી. બહાર ચાર્મી અન્ય લોકોને ઘટનાની જાણ કરી મદદ મેળવવા ગઈ ત્યાં તો આઈ.સી.યુ. માં રહેલા સેનેટાઇઝર, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ સહિતના ઉપકરણોને લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર આઈ.સી.યુ. જાેતજાેતામાં ભડથું થઈ ગયો હતો. બચાવ માટે પોલીસ અને લોકોએ કામગીરી હાથ ધરી હતી પણ તે પહેલા જ માધવી, ફરાગી સાથે અન્ય દર્દીઓ બળીને મૃત્યુને ભેટ્યા હતા. માધવીના ભાઈએ વિડીયો સવાલો ઉઠાવ્યા છે કે, તેણે અન્ય ટ્રેની નર્સ સાથે કરેલી વાત મુજબ આઈ.સી.યુ. માં લાઈટર હતું અને લાઈટર પડતા જ સ્પાર્ક થયો અને આ હોનારત સર્જાઈ. તો લાઈટર આવ્યું ક્યાંથી, કોણ મૂકી ગયું હતું, કોનુ હતું. ઘટના બાદ ચાર્મીને કોઈ ડો. હારીસે હોસ્પિટલની રેપ્યુટશનનો સવાલ હોય વેન્ટીલેટરમાં સ્પાર્ક થવાથી પી.પી.ઇ. કીટ ચપેટમાં આવ્યા બાદ સેનેટાઇઝરથી વધુ ફેલાઈ હોવાનું કહ્યું હતું.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભરૂચની વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત લીધી

ભરૂચ, ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં ગત શુકવારે મધ્યરાત્રીએ લાગેલી આગના કારણે બે નર્સિંગ સ્ટાફ, ૧૬ દર્દીઓ સહિત ૧૮ લોકો સળગીને ભડથું થઈ ગયા હતા. ગોઝારી આગની ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે, રાજ્યના ગૃહમંત્રી ઘટના અંગે સમીક્ષા કરવા ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ પોતાના કાફલા સાથે આવી પહોંચ્યા હતા. રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલ, જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડીયા, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ભરૂચ શહેરમાં આવેલ કોરોના હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યો હતો. વેલ્ફેર હોસ્પિટલમાં બનેલી ઘટનામાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેવા દર્દીના પરિવારોને શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઘટના અંગે એડી. ચીફ સેક્રેટરીની ટિમ બનાવી ઘટના અંગેની સમીક્ષા કરી પરીવારોને આર્થિક મદદ માટે દર્દીના સગાઓને ચાર લાખ રૂપિયા સહાય આપવામાં આવશે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત દરમીયાન સિવિલ આર.એમ.ઓ. ડૉ.એસ.આર.પટેલે જણાવ્યું હતું કે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મેડિકલ સ્ટાફ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડીસીવીર ઈન્જેકશન સહિતની પૂરતી વ્યવસ્થા છે. ભરૂચના અન્ય કોવિડ કેર સેન્ટરોની પણ મુલાકાત કરી હતી. એક પ્રેસ કોંફરન્સ દરમિયાન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ટીમ ભરૂચ દ્વારા કોરોના દર્દીઓ માટે ઉત્તમ સગવડ ઉભી કરાઇ છે. જિલ્લા, તાલુકા, નગરપાલિકા પ્રમુખો, ધારાસભ્યો સાથે બેઠક કરી “મારુ ગામ, કોરોના મુક્ત ગામ“ બનવવા સૂચન કર્યું હતું.