લીમખેડા તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયા બાદ લીમખેડા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇવીએમ મશીન ઉપર શંકા ઉપજાવનારૂ પરિણામ હોવાનાં આક્ષેપ કરી ચૂંટણીપંચ દ્વારા ઇવીએમ મશીન ના બદલે બેલેટ પત્ર દ્વારા પુનઃ મતદાન કરવાની માગણી સાથે આજે લીમખેડા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

લીમખેડામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ગત તારીખ ૨૮મીના રોજ યોજાયેલી ચૂંટણી નું પરિણામ સંપૂર્ણ ભાજપ તરફી આવતા કોંગી કાર્યકરોમાં ભારે નારાજગી વ્યાપી ગઇ હતી લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રેલી કાઢી લીમખેડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ગત તારીખ ૨૮ ના રોજ સમગ્ર ગુજરાતભરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં એક તરફી પરિણામ આવ્યું હતું તેથી ઇવીએમ મશીન દ્વારા આવેલા મતદાનના પરિણામ થી લીમખેડા તાલુકા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જે મહેનત અને આશાવાદી અભિગમથી લોકશાહી ઢબે સત્યની સાથે રહીને પ્રમાણિક પણે ચૂંટણી લડી હતી પરંતુ ભાજપ દ્વારા સામ દામ દંડ ના હથિયારથી ચૂંટણી લડી લોકશાહીને ખતમ કરી છે આ પરિણામ શંકા ઉપજાવનારૂ પરિણામ છે તેવો આક્ષેપ કરી ઈવીએમ મશીનો ના બદલે ચૂંટણીપંચ દ્વારા બેલેટ પેપરથી પૂનઃ મતદાન કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે કરાઈ છે.