પાલીતાણા, પાલીતાણા તાલુકા પંચાયતના ભાજપી ઉપપ્રમુખ સહિત ત્રણ શખ્સ વિધાનસભા ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરવા માટે દીવથી દારૂની ખેપ લઈને આવી રહ્યા હતા. ત્યારે ઉના પોલીસે માંડવી ચેકપોસ્ટ પાસેથી ત્રણેયને ઝડપી લીધા હતા. તાલુકા પંચાયતના ઉપપ્રમુખે દારૂની હેરાફેરી માટે ઈનોવા કારમાં એમએલએનું બોર્ડ મારી રાખ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાલીતાણાના ડુંગરપુર ગામે રહેતો અને તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ ચેતન ડાભી, હાર્દિક પરમાર અને મહેબુબ (રહે, નામના ત્રણ શખ્સ મંગળવારે દીવથી ઉના તરફ આવી રહ્યા હતા.

આ સમયે વિધાનસભાની ચૂંટણીને લઈ વાહન ચેકીંગ માટે માંડવી ચેકપોસ્ટ પર હાજર ઉના પોલીસના સ્ટાફે નંબર પ્લેટ વિનાની એક સફેદ કલરની ઈનોવા કાર કે જેમાં એમએલએનું બોર્ડ માર્યું હતું. તેને રોકી તલાશી લેતા ઈનોવા કારની ડેકી તેમજ કારમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલ નં.૨૫૧ (કિ.રૂ.૮૨,૪૬૦) મળી આવતા પોલીસે કાર, દારૂ અને એક આઈફોન અને બે વીવો કંપનીના મોબાઇલ મળી કુલ રૂા.૯,૦૫,૪૬૦ના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સની ધરપકડ કરી પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.