04, ઓગ્સ્ટ 2020
આણંદ, તા.૩
આણંદ જિલ્લાની છ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ અગામી ૨૫મી ઓગસ્ટે પૂરી થઈ રહી છે. નવી ટર્મમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની બેઠક મેળવવા માટે દાવેદારોએ એડીચોટીનું જાેર લગાવવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક દાવેદારોએ તો છેક હાઇકમાન્ડ સુધી છેડા અડાડવાની કવાયત તેજ કરી દીધી છે. આ વખતે રોસ્ટર મુજબ અનુસુચિત જાતિ, જન જાતિ અને મહિલા અનામત હોવાથી કેટલીક નગર પાલિકાઓમાં શાસની ડોર બદલાશે.
આણંદ જિલ્લાની વિદ્યાનગર, કરમસદ અને ઓડ નગરપાલિકામાં ભાજપની સત્તા છે. બોરિયાવી અને સોજિત્રા નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા છે, જ્યારે આંકલાવમાં અપક્ષ પાસે કમાન છે. હવે જ્યારે પ્રમુખ-ઉપ પ્રમુખ ચૂંટવાની ઘડી આવી રહી છે ત્યારે સાશક પક્ષના કાઉન્સિલરો મહત્વનું પદ મેળવવા માટે શામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવી રહ્યાં છે. વિવિધ કમિટીઓમાં ચેરમેનપદ મેળવવા માટે પણ અત્યારથી લોબિંગ શરૂ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ, ભાજપની સત્તા છે એવી નગરપાલિકાઓમાં મેન્ડેટ પ્રદેશકક્ષાએથી આપવામાં આવતો હોવાથી દાવેદારોએ ગાંધીનગરની વાટ પકડી છે. કોંગ્રેસ પાસે બોરિઆવી અને સોજિત્રા પાલિકામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા નક્કી કરાયેલાં ઉમેદવારો પર મહોર મારવામાં આવશે, જ્યારે આંકલાવ નગરપાલિકામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું હોમ ગ્રાઉન્ડ હોવાથી અપક્ષોના સથવારે પુનઃ સત્તા હાંસલ કરે એવી શક્યતા છે.
આંકલાવમાં
કોણ-કોણ રેસમાં છે?
હવે નગરપાલિકાના અઢી વર્ષના બીજા કાર્યકાળના પ્રમુખ માટે નવાં દાવેદારો રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આંકલાવ નગરપાલિકામાં ૨૪ સભ્યો ભાજપ તેમજ કોંગ્રેસ શાસિત દાવેદારો છે. મોટા ભાગના અપક્ષ પર ચૂંટાઇને આવ્યા છે. પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ તો નહીં, માત્ર અપક્ષ ઉમેદવારનો વર્ષોથી દબદબો રહ્યો છે. આંકલાવમાં પટેલ અને ક્ષત્રિય બંને લોબી જાેરમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે જાેવાનું એ રહે છે કે, કોણ બાજી મારે છે?
કરમસદ અને વિદ્યાનગર પાલિકામાં ભાજપની બહુમતી
કરમસદ નગરપાલિકામાં ૨૪ બેઠકોમાંથી ૧૭ બેઠક ભાજપ પાસે છે, જ્યારે ૭ બેઠક કોંગ્રેસ પાસે છે. અહીં ભાજપના દાવેદારોએ પોતાના સંપર્કો ગાંધીનગર સુધી શરૂ કરી દીધાં છે. અહીં ભાજપ પ્રદેશ કક્ષાએથી જે નક્કી થશે તેને જ ખુરસી મળશે એ નક્કી છે. વિદ્યાનગર પાલિકામાં ચોવીસે ચોવીસ બેઠક ભાજપના હાથમાં છે. વિદ્યાનગરમાં નવાં ઉમેદવારોને તક આપવામાં આવે છે કે પછી એ જ વર્ષોથી ચીપકીને બેઠેલાંઓને જ ભાજપ મેન્ડેટ આપે છે? તે જાેવાનું રહ્યું.