દિલ્હી-

બિહારના પૂર્ણિયા ખાતે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના નેતાનું  અપહરણ કરવામાં આવ્યું હતું. તેના ૪ દિવસ બાદ એટલે કે રવિવારે પોલીસને ડંબરાહા ગામ ખાતેથી નેતાનું શબ મળી આવ્યું હતું. પોલીસે મૃતદેહનું પંચનામુ કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ગત ૨૯ એપ્રિલના રોજ લોક જનશક્તિ પાર્ટીના નેતા અનિલ ઉરાંવનું અપહરણ થયું હતું. તેના પરિવારજનોએ પોલીસમાં અપહરણકર્તાઓ વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. મૃતકના પરિવારજનોએ કરેલા આક્ષેપ પ્રમાણે અપહરણકર્તાઓએ ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ખંડણી આપવા માટે પોલીસ પણ તેમના સાથે ગઈ હતી. પરંતુ અપહરણકર્તાઓએ પોલીસને ચકમો આપીને ખંડણી વસૂલ્યા બાદ હત્યા કરી દીધી હતી. તે સમયે પોલીસ કશું નહોતી કરી શકી અને આ ચોક્કસપણે પોલીસની નિષ્ફળતા છે. પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને મૃતદેહની સોંપણી કરવામાં આવી હતી. ત્યાર બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ આરએન સાહૂ ચોક ખાતે હોબાળો કર્યો હતો અને પૂર્ણિયા શહેરમાં ચક્કાજામ કરવાની શરૂઆત કરી હતી. અનિલ ઉરાંવ ૨૦૧૫ અને ૨૦૨૦માં કટિહારની નિહારી વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.