વડોદરા-

શહેરના નાગરવાડાની 23 વર્ષીય એક બ્રાહ્મણ યુવતી એક મુસ્લિમ યુવકના પ્રેમમાં હતી. જો કે બાદમાં તેઓએ મુંબઇ જઇને લગ્ન પણ કરી લીધાં. પરંતુ આ ઘટનાને કેટલાંક નેતાઓએ લવ-જેહાદ ગણાવતા હિંદુ યુવતીએ જણાવ્યું કે, 'હું પતિ અયાઝને હિંદુ બનાવીશ.'

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના એવી છે કે, શહેરના નાગરવાડાની 23 વર્ષીય બ્રાહ્મણ યુવતી 6 વર્ષથી એક મુસ્લિમ યુવકના પ્રેમમાં હતી. બાદમાં તેને મુંબઇ જઇને લગ્ન પણ કરી લીધાં હતાં. પરંતુ હવે આ ઘટનાને કેટલાંક નેતાઓ લવ-જેહાદ ગણાવતા મામલો વધુ બિચક્યો છે. જો કે બીજી બાજુ મુસ્લિમ યુવકે બીજા દિવસે જાહેરમાં આવવાનું ટાળ્યું હતું. 

ગુરુવારના રોજ યુવતીની આખા દિવસ દરમિયાન સ્થાનિક નેતાઓએ મુલાકાત કરી હતી. તેઓએ આ ઘટનાને લઇને યુવતીને સમજાવવાના પ્રયાસો આદર્યા હતાં. જો કે બીજી બાજુ મુસ્લિમ યુવકે બીજા દિવસે જાહેરમાં આવવાનું ટાળ્યું હતું. જ્યારે યુવકના પિતા અને વકીલે પણ વાત કરવાનું ટાળ્યું હતું. હજી બંનેનું 3-4 દિવસ સુધી કાઉન્સેલિંગ કરાશે. પરંતુ હવે આ ઘટના પ્રકાશમાં આવતા હિંદુ સંગઠનો પણ વિરોધ કરવા મેદાનમાં આવી ગયાં છે.

બીજી બાજુ લવ-જેહાદ કોઇ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય એમ કહેનાર સાંસદ રંજનબહેન ભટ્ટે પણ ગુરુવારના રોજ યુવતી સાથે મુલાકાત કરી હતી. તેઓની સાથે ધારાસભ્ય સીમાબેન મોહિલ તથા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનીલ સોલંકી અને હિંદુ સંગઠનોના આગેવાનો પણ યુવતીને મળ્યા હતાં અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત સાંસદે યુવતીને કહ્યું હતું કે, 'મારે કોઈ દીકરી નથી, પરંતુ તું મારી દીકરી જેવી છે અને તેથી જ હું તને સમજાવવા આવી છું.' સાંસદ અને ધારાસભ્યએ તથા અન્ય કેટલાંક આગેવાનોએ યુવતી સાથે વાતચીત કરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર દિવસ દરમ્યાન આ યુવતીને જ્યાં રખાઇ હતી ત્યાં અનેક નેતાઓ અને હિંદુ સંગઠનોના અગ્રણી પહોંચ્યા હતાં અને યુવતીને મળી આંતરધર્મમાં લગ્ન કર્યા બાદ તથા ધર્મ પરિવર્તન બાદ ઊભી થતી મુશ્કેલી સહિતની માહિતી આપી હતી. 

બીજી બાજુ એક નેતાએ તો એટલે સુધી કહ્યું હતું કે, 'જો અયાઝ હિંદુ બને તો હું 25 લાખનો ફ્લેટ અને નોકરી પણ અપાવીશ.' સાથે એક મહિલા અગ્રણીએ અન્ય ધર્મમાં લગ્ન કર્યા બાદ સર્જાતી મુશ્કેલી અંગે યુવતીને સમજાવી હતી અને જણાવ્યું હતું કે, અન્ય ધર્મમાં તો વધારે લગ્ન કરવાની છૂટ હોય છે અને તારી સાથે લગ્ન કર્યા બાદ છ મહિના પછી તારો પતિ જો બીજી યુવતી સાથે લગ્ન કરશે તો તું શું કરીશ.' 

હિંદુ જાગરણ મંચના નીરજ જૈને જણાવ્યું હતું કે, 'યુપીમાં લવ-જેહાદ અંગે કડક કાયદો છે એવો ગુજરાત સરકારે બનાવવો પડશે. જો આ કાયદામાં સુધારો થશે તો જ લવ-જેહાદની ઘટનાઓ બંધ થશે.' આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, 'બંનેને તેમના પરિવાર પાસે અલગ-અલગ સ્થળે રાખવામાં આવ્યાં છે અને તેમનું કાઉન્સેલિંગ કરીને સમજાવાઇ રહ્યાં છે. બંને પુખ્ત વયના હોવાથી અંતિમ નિર્ણય તેમની પર છોડી દેવાયો છે. યુવતીને તેના પરિવાર પાસે હાલમાં મોકલી દેવાઇ છે. જો કે મામલો થોડો શાંત પડે ત્યાર બાદ ફરીથી બંનેને પોલીસ સ્ટેશન બોલાવાશે અને તેઓની પૂછપરછ કરાશે અને તેઓ જે નિર્ણય લે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'