વડોદરા : લવ જેહાદના નવા કડક કાયદા હેઠળ વડોદરા ખાતે નોંધાયેલી ફરિયાદનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં બાદમાં ફરિયાદી યુવતી એજ ફેરવી તોળતાં લઘુમતિકોમના આરોપી યુવકે અદાલતમાં પોલીસ ઉપર આક્ષેપ કરી પોતાને જામીન આપવા વિનંતી કરી હતી. જેથી મામલો વિવાદીત બન્યો હતો. જાેકે અદાલતે લવજેહાદના આરોપી યુવકની જામીન અરજી ફગાવી દેતા આરોપીએ હવે હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. જેથી સુનાવણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થશે. મહત્વની વાત એ છે કે, આ મામલામાં આરોપીએ ફરિયાદી એવી પત્નીને પાર્ટી બનાવી છે. પોલીસને આ અંગેની નોટીસ વડી અદાલતે પાઠવી દીધી છે.

ગોત્રી પોલીસ મથકે તરસાલીના સમીર કુરેશી નામના યુવક વિરૂદ્ધ જાતી છુપાવીને સોશ્યલ મિડીયાના માધ્યમથી મિત્રતા કેળવી લગ્ન બાદ શારીરીક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં યુવતી દલીત હોવાથી એટ્રોસિટીની કલમ પણ ઉમેરવામાં આવી હતી. વિધર્મી યુવક વિરૂદ્ધ લવજેહાદના નવા બનેલા કડક કાયદા અનુસાર ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં યુવક સામે ઇ.પી.કો કલમ ૪૯૮, ૩૭૬, ૩૭૭, ૩૧૨, ૩૧૩, ૫૦૪, ૫૦૬, ૧૨૦બી અને ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમત અને એટ્રોસિટીની કલમો લગાવાઇ હતી.આ ફરિયાદમાં યુવકના માતા-પિતા, બહેન, ભાઇ, પિતરાઇ માસાના પણ નામ નોંધવામાં આવ્યા હતાં. પોલીસે યુવકને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. જ્યારે બાકીનાની બાદમાં ધરપકડ થઇ હતી. રીમાંડ પુરા થતાં જેલમાં ધકેલાયેલા યુવકે અત્રેની અદાલતમાં જામીન અરજી મુકી હતી. બરાબર એજ સમયે ફરિયાદી પત્નીએ પણ અદાલતમાં સોગંદનામું કરી પતીને જામીન ઉપર છોડવામાં નહી આવે તો પરીવાર વેરવિખેર થઇ જશે એમ જણાવી પોલીસ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, હુ તો માત્ર ઘરેલું હિંસાની ફરિયાદ લઇને ગઇ હતી પરંતુ પોલીસે મામલાને લવજેહાદ બનાવી દીધો હતો.ખરેખરતો મને પહેલેથી જ યુવક મુસ્લિમ હોવાની જાણ હતી. શારીરીક સબંધ પણ પરસ્પર સમંતિથી જ થયો હતો. અને લગ્ન પણ માતા પિતાની સમંતિ અને હાજરીમાં જ થયા હોવાનો ઘટસ્ફોટ કરતું સોગંદનામુ જામીન આપવા માટે ફરિયાદીએ કરતાં મામલો ગુંચવાયો હતો. અને ત્રણ સુનવણી બાદ અત્રેની અદાલતે આરોપી યુવકના જામીન ના મંજૂર કર્યા હતાં. બાદમાં જામીન માટે યુવકે હાઇકોર્ટમાં અરજ કરતાં એનો સ્વીકાર થયો હતો અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં એની સુનવણી રાખવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, લવજેહાદના આરોપી યુવકે હાઇકોર્ટમાં ફરિયાદી પત્નીને પણ પાર્ટી બનાવી છે. અદાલતે વડોદરા પોલીસને નોટીસ જારી કરી છે ત્યારે હવે હાઇકોર્ટનું આ મામલે કેવુ વલણ રહે છે એ જાેવું રહ્યું છે.