ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની ૮ બેઠક પરની ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થયો છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ટ્‌વીટ કરી કમલમમાં કકળાટ શિર્ષક હેઠળ ભાજપ પર નિશાન સાધ્યું છે. પરેશ ધાનાણીએ ટ્‌વીટ કર્યુ કે કે પાયાના પથ્થર સમાન વફાદારો ચૂંટણી લડશે કે પછી વટલાયેલા ગદ્દાર? પરેશ ધાનાણીએ આ પ્રકારનું ટ્‌વીટ કરી ભાજપને સવાલ પૂછ્યા છે, સાથે જ ભાજપમાં જાેવા મળતા અસંતોષને પણ હવા આપી છે.

રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસના વિવિધ સેલ અને મોરચાના પ્રમુખો સાથે બેઠકનું આયોજન કરાયુ છે. કોંગ્રેસમાંથી આઠ બેઠક માટે નવ જેટલા ઉમેદવાર ટિકિટની માગણી કરી રહ્યા છે. હરેશ પટેલ, વસંત પટેલ અને સોમા બાત્રીના નામની ચર્ચા કરવામાં આવી રહી છે.. આ ઉપરાંત જિલ્લા અને તાલુકાઓના પ્રમુખો સાથે બેઠક યોજાશે. આ ઉપરાંત ૮ બેઠકોના બ્લોક પ્રમુખો સાથે પણ બેઠક કરાશે. આજે દક્ષિણ ગુજરાતની ડાંગ અને કપરાડા બેઠકો અંગે ચર્ચા કરાવામા આવી.