મહીસાગર: ટેકાના ભાવે મગફળીની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ
03, ઓક્ટોબર 2020

મહીસાગર-

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સિઝન 2020 માં મગફળીની ખરીદી 21 ઓક્ટોબરથી 90 દિવસ સુધી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના વીરપુર સરકારી ગોડાઉન ખાતે વિરપુર તાલુકાના તથા બાલાસિનોર તાલુકાના ખેડૂતો પાસેથી કરવામાં આવનારી છે. તેમજ લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર તાલુકાના ખેડૂતો માટે અંબિકા એનિમલ્સ ફિડ્સ ગામ ચારણના દેગમડા તા. ખાનપુર પુરવઠા નિગમના ભાડાના ગોડાઉન ખાતે મગફળીની ખરીદી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા મગફળીનો લઘુત્તમ ટેકાના ભાવે રુપિયા. 5275 પ્રતિ ક્વિન્ટલ (રુપિયા 1055 પ્રતિ મણ) જાહેર થયેલા છે. ખેડૂતોની નોંધણી 1/10/2020 થી 20/10/2020 સુધી NIC ના IPDS પોર્ટલ (http/ipds.gujarat.gov.in) પર થશે. ખેડૂતોની નોંધણી/રજીસ્ટ્રેશન ગ્રામ્ય કક્ષાએ "વિલેજ કોમ્પ્યુટર એન્ટર પ્રિન્યોર" (VCE) મારફત નજીકના ગામના ઈ-ગ્રામ સેન્ટર ખાતે તેમજ ઉક્ત ખરીદ કેન્દ્રો ખાતે થઈ શકશે.

ખેડૂતોએ નોંધણી દરમિયાન ઓરીજીનલ 7/12, 8/A તથા સેલ્ફ એટેસ્ટેડ આધાર કાર્ડ, સેલ્ફ એટેસ્ટેડ બેંક પાસબુક/કેંસલ ચેક તથા વાવેતરનો તલાટી કમ મંત્રીનો ઓરીજીનલ દાખલો લઈ નોંધણી કરવાની રહેશે. એ મુજબ સંપર્ક કરવા મહીસાગર જિલ્લા પુરવઠા મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution