ગુજરાતમાં ૫ણ લવજેહાદ અંગે કાયદો ઘડો : સોટ્ટા
02, ડિસેમ્બર 2020

વડોદરા : વડોદરાના મહાનગર પાલિકાના કાઉન્સિલર અને જિલ્લાના ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા -સોટ્ટાએ પાલિકાના ઈ-લોકાર્પણ,શુભારંભ અને ખાતમુહુર્તના કાર્યક્રમ ટાણે પત્રકારો સાથેની વાતચીતમાં લવજેહાદનો મુદ્દો છછેડતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. પાલિકાની વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણતાને આરે છે. તેમજ આગામી દિવસોમાં વડોદરા સહીત મહાનગરોની ચૂંટણીઓ યોજાનાર છે. એવા સમયે લવજેહાદનો મુદ્દો ઉખેડીને કાયદો ઘડવાને માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.એવી વાત કરતા ઉમેર્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકારની માફક લવજેહાદનો કડક કાયદો રાજ્યમાં પણ અમલવારી કરાવવાને માટે વિધાનસભામાં કાયદો પસાર કરાવાશે. લવજેહાદનો કાયદો લાવીને આવા કિસ્સાઓ બનતા અટકાવવાને માટે પોતે કટીબધ્ધ હોવાનું તેઓએ ઉમેર્યું હતું. ગુજરાતમાં લઘુમતીના યુવાનો હિન્દૂ જેવા નામ ધારણ કરીને હિન્દૂ યુવતીઓને પોતાની માયાજાળમાં ફસાવ્યા પછીથી ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરતા હોવાના કિસ્સાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે ઉછાળો આવ્યો છે. એ જોતા તાકીદે આવો કાયદો ઘડવાની જરૂરિયાત હોવાની બાબત પર ભાર મુકતા શૈલેષ મહેતાએ ઉત્તર પ્રદેશમાં જે રીતે કાયદો લવાયો છે. એ પ્રમાણે ગુજરાતમાં લાવવાની માગ કરી છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આગામી દિવસોમાં રજૂઆત કરવાની વાત કરી હતી. તેઓએ પરાણે પ્રીત કરાવીને કરાતા લવજેહાદને મામલે આક્રોશ વ્યક્ત કરીને એને અટકાવવાને માટે આવા કાયદાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.  

ભાજપ શાસીત રાજ્યો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ(યુપી અને એમપી)ની માફક ગુજરાતમાં પણ ભાજપ સરકાર આ કડક કાયદો લાવીને ધર્મ પરિવર્તન પર રોક લગાવવાને માટે પોતાની ઈચછાશક્તિ વ્યક્ત કરી હતી. ગુજરાતમાં ભાજપાની પૂર્ણ બહુમતની સરકાર છે. ત્યારે આ કાયદાને લાવીને પસાર કરવાને તમામ પ્રકારના પ્રયાસોમાં કોઈપણ પ્રકારની કચાસ રાખવામાં આવશે નહીં એમ જણાવીને તેઓએ આગામી દિવસોમાં આને માટેની પ્રક્રિયા હાથ ધરવાને માટે પોતે મક્કમ હોવાનું ઉમેર્યું હતું.

ચૂંટણી આવી એટલે મત મેળવવાનું નાટક ઃ પ્રશાંત પટેલ

શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરેલા લવ જેહાદના નિવેદનને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેઓએ એની આલોચના અને આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, વિધાનસભામાં ભાજપની ૨૫ -૨૫ વર્ષથી સરકાર છે. કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ સરકારનું છે. એની નિષ્ફળતા છુપાવવાને માટે લવજેહાદની કાયદાની વાતને મહાનગર પાલિકાઓની ચૂંટણી ટાણે ઉખેડીને મત મેળવવાનું નાટક ઉભું કરાયું છે. પ્રત્યેક કાયદાના અમલને માટે કોંગ્રેસ સદાય સરકારની સાથે છે. બંધારણ અને કાયદાનું પાલન કરવામાં કોંગ્રેસ માને છે. કોંગ્રેસને ન્યાયની નીતિ સામે વાંધો નથી.રાજકીય સ્ટન્ટ આવા ન હોવા જોઈએ. ચૂંટણીને માટે કે પ્રધાનપદુ મેળવવાને માટે આ પ્રકારનું નિવેદન કર્યાનો સીધો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. લાવજેહાદના કાયદાની વાત કરીને ભાજપ સરકાર એને અટકાવવામાં ધરાર નિષ્ફળ નીવડી હોવાનું પોતેજ કાબુલી લીધું છે. કોંગ્રેસે કદી આવી બાબતોને સમર્થન કર્યું નથી. આને માટે ભાજપના ધારાસભ્યએ આ પ્રકારના જાહેર નિવેદન કરવાની ક્યાં જરૂરત છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution