લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થ‌ઈ.

સામગ્રી :

1 કપ મેંદો ,1/2 ઘ‌ંઉનો લોટ ,1/4 ચમચી મીઠું ,3 ચમચી તેલ,1 ઝીણી સમારેલી ડુંગળી ,1 ઝીણી સમારેલી ગાજર ,1 ઝીણું સમારેલું લીલું કેપ્સીકમ ,1/2 ઝીણું સમારેલું લાલ કેપ્સિકમ ,1/2 ઝીણું સમારેલું પીળુ કેપ્સિકમ ,1 કપ ઝીણી સમારેલી પર્પલ કેબેજ(ન નાખો તો ચાલે) ,1 કપ બાફેલા મકાઈના દાણા ,1 કપ સમારેલા મશરૂમ ,8-10 સમારેલા પાલકના પાન ,3 ચમચી ઓલિવ ઓઈલ ,૨ ચમચી લસણની પેસ્ટ ,1 ચમચી ક્રશડ મરી પાઉડર ,1 ચમચી ગાર્લિક ચીલી સોલ્ટ ,2 ચમચી ચીલી ફ્લેક્સ ,1 ચમચી મિક્સ હબ્સ ,1 ચમચી ઓરેગાનો ,1 ચમચી લાલ મરચું પાઉડર ,મીઠું સ્વાદાનુસાર

વ્હાઇટ સોસ માટે સામગ્રી :

3-4 ચમચી બટર ,2 ચમચી મેંદો ,1 ચમચી લસણની પેસ્ટ ,200 મિ.લી. દૂધ ,1 ચમચી ચીલી ફ્લેક્સ ,1 ચમચી ક્રશડ મરી પાઉડર ,1 ચમચી ઓરેગાનો ,2 ચમચી ચીઝ સ્પ્રેડ/છીણેલું ચીઝ ,મીઠું સ્વાદાનુસાર 

રેડ સોસ માટે સામગ્રી :

2 ચમચી ઓલિવ ઓઈલ

1 ઝીણી સમારેલી ડુંગળી ,1 ચમચી કાપેલું લસણ ,6-8 ટામેટા ની પ્યુરી ,1 ચમચી ચીલી ફ્લેક્સ ,1 ચમચી ઓરેગાનો ,1 ચમચી લાલ મરચું પાઉડર ,મીઠું સ્વાદાનુસાર 

અન્ય સામગ્રી :

1 કપ છીણેલું પ્રોસેસ ચીઝ ,1 કપ મોઝરેલા ચીઝ ,2 સ્લાઈસ ચીઝ ,ઓલિવ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો.

બનાવાની રીત છ

સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ બાકીની સામગ્રી ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી બરાબર મિકસ કરી લોટ બાંધી લો. થોડું તેલ લગાવી 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. 15 મિનિટ બાદ રોટલી વણી 30 થી 40 મિનિટ સુધી સૂકાવા દો. હવે સ્ટફીંગ માટે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ 2 મિનિટ સુધી સાંતળો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો 2 મિનિટ બાદ વારાફરતી બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ સુધી ઢાંકીને થવા દો. હવે મરી,ગાર્લિક સોલ્ટ, મિક્સ હબ્સ, મીઠું, મરચું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ પાલક ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરી લો. વ્હાઈટ સોસ બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં બટર મેલ્ટ થાય એટલે તેમાં મેંદો ઉમેરી બરાબર શેકાય જાય એટલે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો. 5 મિનિટ બાદ લસણ, મરી, મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ ચીઝ ઉમેરો અને બરાબર હલાવી લો. હવે ગેસ પરથી ઉતારી લો. રેડ સોસ બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ અને ડુંગળી ઉમેરો 5 મિનિટ બાદ ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 થી 7 મિનિટ સુધી થવા દો. હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.2 થી 3 મિનિટ બાદ ગેસ બંધ કરી લો. ઠંડુ થવા દો. હવે એક નોનસ્ટિક પેનમાં સૌપ્રથમ નીચે રેડ સોસ પાથરી દો. ઉપર લઝાનિયા શીટ મૂકો. હવે ફરી 2 -2 મોટી ચમચી રેડ અને વ્હાઈટ સોસ સ્પ્રેડ કરો. ઉપર 1 મોટો ચમચો વેજીટેબલ સ્ટફીંગ સ્પ્રેડ કરો. ઉપર છીણેલી ચીઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. ઉપર બીજી લઝાનિયા શીટ મૂકો અને આ રીતે બઘા લેયર કરો. સૌથી ઉપર સ્લાઈસ ચીઝ, છીણેલું ચીઝ, મોઝરેલા ચીઝ પાથરો. હવે ઉપર ઓલિવ મૂકી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. ઢાંકણ ઢાંકી 20 થી 25 મિનિટ સુધી ગેસ પર ધીમા તાપે થવા દો. 25 મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લો અને ઢાંકણ ખોલી દો. 5 મિનિટ બાદ ચપ્પુ વડે કાપા પાડી લો અને સર્વીંગ ડીશમા કાઢી મેક્રોની, પાસ્તા અથવા ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો. મેં લઝાનિયા સાથે મેક્રોની ઈન વ્હાઈટ સોસ બનાવી છે.