બરેલી-

જૂની અદાવતને પગલે પાડોશીઓ દ્વારા અહીં એક 45 વર્ષીય આધેડને ઝાડ સાથે કાંટાળા તારથી બાંધી દેવાયો હતો અને ત્યારબાદ આગ લગાડી દેવાઈ હતી. 

મોતને ઘાટ ઉતારાયેલા આધેડ ધરમપાલની પુત્રીએ પોલીસને જણાવ્યું હતું કે, તેના પિતાને બીક હતી કે તેમને મોતને ઘાટ ઉતારી દેવાશે. ધરમપાલનો સળગી ગયેલો મૃતદેહ શનિવારે સાંજે મળી આવ્યો હતો. શીશગઢના થાણા અધિકારી યાને એસએચઓ રાજકુમાર ભારદ્વાજે કહ્યું હતું કે, અમારી ફોરેન્સીક ટીમે પૂરાવા એકઠા કર્યા છે અને ટૂંક સમયમાં તપાસ હાથ ધરાશે. આરંભીક તપાસમાં લાગે છે કે, વ્યક્તિને કાંટાળા તાર વડે ઝાડ સાથે બાંધીને સળગાવી દેવાયો હતો. રવિવારે સાંજે આ અંગેની ફરીયાદ દાખલ કરાઈ હતી. 

પોસ્ટ મોર્ટમમાં ખબર પડી હતી કે વ્યક્તિનું મૃત્યુ પીડાદાયક રીતે થયું હતું એટલે કે જ્યારે તેને આગ ચંપાઈ ત્યારે તે જીવિત અવસ્થામાં હતો. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.