રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે સાથે રાજકોટની બે ખાનગી અને જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં ૧૨૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે. વિદેશી વિદ્યાર્થી પોતાના વતનમાંથી પરત આવે તેના ૨૪ કલાકમાં જ આરોગ્ય તંત્રને જાણ કરી ૭ દિવસ સુધી ક્વોરન્ટીન ફરજીયાત કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ-ભાવનગર રોડ પર આવેલી આર.કે. યુનિવર્સિટીના ૪ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં પોઝિટિવ જાહેર થયા છે. ત્યારે શિક્ષણ વિભાગ પણ હવે કડક વલણ અપનાવી એક્શનમાં આવી ગયું છે. રાજકોટની બે ખાનગી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થી વિદેશથી અભ્યાસ માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમયે વિદેશથી આવતા વિદ્યાર્થી અંગે આરોગ્ય વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. મારવાડી યુનિવર્સિટીના સંચાલકના જણાવ્યા મુજબ, મારવાડી યુનિવર્સીટીમાં ૫૦ દેશના ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિદેશના છે. જેમાં આફ્રિકન, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ૯૦૦ પૈકી ૮૦૦ વિદ્યાર્થીઓ વેક્સિનેટેડ છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં ભણતા ૯૦૦૦ જેટલા વિદ્યાર્થીઓમાંથી ૨૪૦૦ વિદ્યાર્થીઓએ કોરોના વેક્સિન લીધી છે. ઓમિક્રોનના ચાર કેસ આવ્યા તે આર.કે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન.એસ.રામાણી જણાવ્યું હતું કે, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, આફ્રિકન સહિત ૧૦ દેશના ૧૫૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. જેઓ પોતાના વતનથી આવ્યા બાદ હોસ્ટેલમાં તેમના રૂમમાં જ ક્વોરન્ટીન કરવામાં આવે છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફોરેન સ્ટુડ્‌ન્ટસના હેડ ડો.હરિકૃષ્ણ પરીખે જણાવ્યું કે, ઈરાક, યમન અને ઈજીપ્તના ૧૦ વિદેશી વિદ્યાર્થી અહી અભ્યાસ કરે છે. છેલ્લા બે માસથી એક પણ વિદ્યાર્થી ત્યાં ગયા નથી. વિદ્યાર્થીને ખાસ કારણોસર જ તેના વતન જવા મળે છે અને તે માટે તે દેશની એમ્બેસીની પણ મંજૂરી લેવી પડે છે અને ત્યાં જાય તો અહી આવ્યા બાદ ૧૫ દિવસ સુધી ક્વોરન્ટીન થવું પડે છે. જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટીમાં ફોરેન સ્ટડીઝના હેડ ડો.નેહા ટાંકે જણાવ્યું કે, અહીં વિદેશના ૪૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે જર્મની, ફ્રાન્સ, થાઈલેન્ડ, બ્રાઝીલ, મોરેશિયસ, દક્ષિણ કોરિયા અને શ્રીલંકા સહિતના દેશના છે. જાેકે છેલ્લા એક માસમાં એક પણ વિદ્યાર્થી પોતાના વતન ગયા નથી.