માંડવી, માંડવી નગર પાલિકાનું સનેઃ ૨૦૨૧-૨૨ નું કુલ ૩૩.૬૯ કરોડની આવક-જાવક દર્શાવતું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉની યોજનાને કાર્યરત રાખવા ઉપરાંત પાણી, ગટર, આરોગ્ય બાંધકામ, સંસ્કૃતિ તથા સામાજિક ઉતરદાયિત્વની કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

માંડવી નગર પાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ રેખાબેન વશી દ્વારા રાજુ કરવામાં આવેલ અંદાજપત્રમાં વિકાસનાં કામો પેટે ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટ પેટે વિવિધ યોજનાઓ, તાપી રિવર ફ્રન્ટ ફેઝ-૨ યોજના તથા સરકારી ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, યુડીપી ૮૮ હેડ હેઠળ ગ્રાન્ટ માંથી સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષ, ઈન્ડોર સ્ટેડિયમ તથા સ્વિમિંગ પુલ અંગે મુખ્યત્વે કામોની હેઠળ જાેગવાય નક્કી કરવામાં આવી હતી. ઉપરાંત વિવેકાધિન યોજના, પાણી ગટર, રસ્તાની મરામત અંગે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંગે સીટી સિવિક સેન્ટર જેવા વિવિધ કામો અન્વયે પણ નાણાકીય જાેગવાય નક્કી કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રસ્તા તેમજ સ્લમ ફ્રી માંડવી નગર પાલિકા બનાવવા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડંપિંગ સાઈડનું ડેવલોપમેન્ટ નું કામ નક્કી કરવામાં આવેલ છે. તથા નગર પાલિકાનાં વિવિધ વિસ્તારમાં વોટર એ.ટી.એમ. ની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.સ્વભંડોળ તથા જનભાગીદારીની યોજના અંતર્ગત સુવિધાઓ, ગરીબ, શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારને રૂપિયા ૧૫ માં અટલ થાળી કાર્યરત રાખી, ગત વર્ષની અંતયેષ્ઠી (મોક્ષધામ) યોજના લાભાર્થી દીઠ રૂ. ૧,૫૦૦ ની સહાય, દીકરી વ્હાલનો દરિયો અંતર્ગત દીકરીનાં જન્મ સમયે રૂ. ૫,૦૦૦ ની સહાય, ૨.૫૦ લાખની આવક મર્યાદા ધરાવતા પરિવારને આરોગ્ય સુવિધા હેતુ પાંચ યુનિટ બ્લડ સુધીની નાણાકીય સહાય, નગરનાં દરેક પરિવારને વહીવટી સુગમતા માટેની સ્માર્ટ કાર્ડની કામગીરીનો પુનઃ આરંભ કરાશે.