કરોડોનો ખર્ચો પાણીમાં ૪ મહિના પહેલા બનેલા લક્ષ્મીનગર અંડરબ્રિજમાં મનપાનો લોગો તૂટ્યો
29, મે 2022

રાજકોટ, રાજકોટમાં આજથી ૪ મહિના પહેલા રૂ.૪૨ કરોડથી વધુના ખર્ચે નવો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંડરબ્રિજનું નામ બિપીન રાવત રાખવામાં આવ્યું છે માત્ર ૪ મહિનામાં જાણે ભ્રષ્ટાચારના પાટિયા ખર્યા હોય તેમ મનપાનો લોગો અને બ્રિજનું નામ આજે અચાનક તૂટીને રસ્તા પર પડ્યા હતા. જેને લઈને ભારે કુતુહલ સર્જાયું હતું. હાલ મનપાનો તૂટેલો લોગો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને ભ્રષ્ટાચારની ગંધ રાજ્ય સરકારથી લઇને કોર્પોરેશનના નેતાઓ સુધી ફેલાઈ રહી છે.

હાલ અકસ્માતના ભય તળે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. જેના લીધે વાહન વ્યવહારથી ધમધમતા અન્ડર બ્રીજ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. લક્ષ્મીનગર બ્રિજ ખૂબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડિપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યો હતો.

આ બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ તથા ૪.૫૦ મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન થાય છે. પરંતુ આજે અચાનક નામનું પાટિયું અચાનક ખરી પડતા અકસ્માતની ભીતિ સર્જાઈ હતી. હાલ આ પાટિયાની મરામત કરવામાં આંખ આડા કાન કરતાં તંત્રના પાપે વાહનચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution