નવી દિલ્હી

જો તમે IPOમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગતા હોવ તો વધુ એક સુવર્ણ તક આવી રહી છે. કલ્યાણ જ્વેલર્સ(Kalyan Jewellers) 1,175 કરોડ રૂપિયાની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) 16 માર્ચ 2021થી લાવી રહ્યું છે. કંપનીએ IPOના પ્રાઈસ બેન્ડને શેર દીઠ 86-87 રૂપિયા નક્કી કર્યા છે. શેર દીઠ ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ ઈસ્યુ 18 માર્ચ 2021ના ​​રોજ બંધ થશે. કલ્યાણ જ્વેલર્સના ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. આઈપીઓમાં 800 કરોડની નવી ઈક્વિટી જારી કરવામાં આવશે અને પ્રમોટર્સ અને શેરહોલ્ડરો દ્વારા 375 કરોડ રૂપિયાના વેચાણ (OFS)ની ઓફર છે.

OFS હેઠળ રૂપિયા 125 કરોડના શેર પ્રમોટર ટી.એસ. કલ્યાણરમણના છે અને 250 કરોડ રૂપિયાના શેર હાઈડલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના છે. એક્સિસ કેપિટલ, સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ ગ્લોબલ કો-ઓર્ડીનેટર અને બુક રનિંગ લીડ્સ ઈશ્યૂના મેનેજર છે.

કેટલું રોકાણ કરવું પડશે

કલ્યાણ જ્વેલર્સના IPOનો લોટ સાઈઝ 172 શેર છે. રોકાણકારો ઓછામાં ઓછા 172 ઈક્વિટી શેર માટે અરજી કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડના આધારે લઘુતમ રોકાણ 14,964 રૂપિયા થશે. ઈશ્યૂનો 50 ટકાથી ઓછો ભાગ સંસ્થાકીય રોકાણકારો (QIB), 35 ટકા રિટેલ રોકાણકારો અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. કર્મચારીઓ માટે 2 કરોડ રૂપિયાના શેર અનામત રાખવામાં આવ્યા છે. કર્મચારીઓને શેર પર 8 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. BOB કેપિટલ માર્કેટ પણ બુક રનીંગ લીડ મેનેજર હશે અને ઓફર માટે રજિસ્ટ્રાર લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ હશે.

જવેલરી માર્કેટ શેર

નાણાકીય વર્ષ 2019માં ભારતીય જ્વેલરી માર્કેટમાં તનિષ્ક(Tanishq)નો હિસ્સો 3.9 ટકા અને ઓર્ગેનાઈઝડ જ્વેલરી માર્કેટમાં 12.5 ટકા છે. તે જ સમયે, કલ્યાણ જ્વેલર્સનો જ્વેલરી માર્કેટમાં 1.8 ટકા અને ઓર્ગેનાઇઝડ જ્વેલરી માર્કેટમાં 5.9 ટકા હિસ્સો છે.