આ તારીખે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે
11, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ ૧૨મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવશે અને ત્યારબાદ તે વિદ્યાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ૧૧ ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે તેમ જીએસએચએસઈબીના સૂત્રોએ જણાવ્યું હતું. ડીઈઓ કચેરીઓ બાદમાં તે શાળાઓમાં મોકલશે. રાજ્યની મોટાભાગની શાળાઓને ૧૨ ઓગસ્ટના દિવસે જ માર્કશીટ અને સર્ટિફિકેટ સોંપવાની આશા છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

કોવિડ-૧૯ના કારણે આ વર્ષે પરીક્ષા રદ કરાયા બાદ, રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક માપદંડ તૈયાર કર્યા હતા. આ વર્ષે શાળાઓના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના સરકારના ર્નિણયને અનુરુપ એક પણ વિદ્યાર્થી નપાસ થયો નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલમાં જ ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રિઝલ્ટ જાહેર કર્યું હતું, જેમાં ૪,૦૦,૧૨૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બોર્ડે આ વર્ષે માસ પ્રમોશનના કારણે ૧૦૦% પરિણામ જાહેર કર્યું હોવા છતાં, ૯૦%થી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોરણ-૧૨માં સામાન્ય પ્રવાહના કુલ ૪,૦૦,૧૨૭ વિદ્યાર્થીઓમાંથી સી૧ ગ્રેડમાં ૧,૨૯,૭૮૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પછી સી૨ ગ્રેડમાં ૧,૦૮,૨૯૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ૧ ગ્રેડમાં ૬૯૧, એ૨ ગ્રેડમાં ૯,૪૫૫, ગ્રેડ બી૧માં ૩૫,૨૮૮ જ્યારે ગ્રેડ બી૨માં ૮૨,૦૧૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ ગ્રેડ સી૧ અને સી૨માં વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ગ્રેડ ડીમાં ૨૮,૬૯૦ વિદ્યાર્થીઓ અને ઈ૧માં ૫,૮૮૫ અને ઈ૨માં ૨૮ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution