વડોદરા

કોવિડની રસી આવ્યા બાદ કોરોનાએ પીછેહઠ કરી છે તેવા સમયે હોસ્પિટલના સત્તાધીશોએ કોરોનાકાળમાં હંગામી ધોરણે નોકરી પર રાખેલા કોન્ટ્રાકટના મોટાભાગના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જાે કે, છૂટા કરાયેલા તમામ કોરોના વોરિયર્સ તરીકે રૂા.પ૦૦૦ કોરોનાની બક્ષિસ (એરિયર્સ) તરીકે આપવામાં આવે છે, પરંતુ જે લોકો કોરોના વોર્ડમાં પહેલેથી જ ફરજ બજાવી ચૂકેલા અને કોરોનાનો ભોગ બની ચૂકેલા ૮ થી ૧૦ જેટલા સિકયુરિટી જવાનો સહિત કોરોનાકાળમાં ફરજ બજાવતા જવાનોને કોન્ટ્રાકટર દ્વારા કોરોના એરિયર્સ ચૂકવવામાં ન આવતાં સિકયુરિટી કર્મચારીઓમાં નારાજગી સાથે છૂપા રોષની લાગણી વ્યાપી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોના વાઈરસે કહેર મચાવી મૂકયો હતો, તે વખતે સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલના સત્તાધીશો અને સરકારને અલાયદો વોર્ડ (સેન્ટર) શરૂ કરવાની ફરજ પડી હતી અને સાથે સાથે પેરામેડિકલ અને ચોથા વર્ગના કર્મચારીઓની તાત્કાલિક ભરતી કરવી પડી હતી.

કોરોનાકાળમાં ફરજ બજાવતા કર્મચારીઓને (એક્સ્ટ્રા) વધારાનું મહેનતાણું આપવાની પણ જાહેરાત કરાઈ હતી. હાલ કોરોનાની રસી આવી ગયા બાદ કેસોની સંખ્યામાં સતત ઘટાડો જાેવા મળતાં એક તબક્કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા નહિવત્‌ જાેવા મળી રહી છે, તેવા સમયે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના હંગામી ધોરણે ભરતી કરાયેલા ચોથા વર્ગના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. તેમને પગાર સાથે કોરોના એરિયર્સ રૂા.પ૦૦૦ આપવામાં આવ્યું છે. સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં રાત-દિવસ જાનના જાેખમે ફરજ બજાવતા સિકયુરિટી જવાનોને કોરોના એરિયર્સ આપવામાં ન આવતાં આ કર્મચારીઓમાં નારાજગી સાથે રોષની લાગણી વ્યાપી છે અને મળવાપાત્ર રકમ ચૂકવી આપવાની માગ કરાઈ છે. એટલું જ નહીં, કોરોનાનો કહેર ઓછો થતાં સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં કેસની બારી પર ફરજ બજાવતા વિકલાંગ કર્મચારીઓને મળતા ભોજન અને ચા-નાસ્તો સત્તાધીશો દ્વારા એકાએક બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે અન્ય કર્મચારીઓ, પેરામેડિકલ સ્ટાફ અને તબીબો માટે રાબેતા મુજબ બે ટાઈમ ભોજનની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.