કોરોના ટેસ્ટ અંગેની સરકારી જાહેરાત પોકળ સાબિત કરતું તંત્ર
28, જુન 2020

વડોદરા, તા.૨૭ 

સમગ્ર રાજ્યમાં કોરોના ટેસ્ટના દર અને ઘરે આવીને ટેસ્ટ કરવા અંગે નાયબ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત છતાં વડોદરા પાલિકાના આરોગ્ય અધિકારીએ આવી કોઈ જાગવાઈની અમને પરવાનગી નથી એવો ચોંકાવનારો જવાબ આપી સરકારી જાહેરાતની અને સ્વયં નાયબ મુખ્યમંત્રીની ઠેકડી ઉડાડયાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવની વિગત એવી છે કે, અત્રે વાઘોડિયા રોડ ખાતે રહેતું એક મધ્યમવર્ગીય કુટુંબ હાલ હોમ ક્વોરન્ટાઈન છે. કુટુંબની સૌથી વૃદ્ધ મહિલા હાલ કોરોના પોઝિટિવ હોવાથી પારુલ હોસ્પિટલ ખાતે દાખલ છે અને આ કુટુંબ પોતાના ગજા બહાર હોવા છતાં એમની સારવારનો ખર્ચ તો ઉઠાવી રહ્યું છે, પરંતુ વૃદ્ધાને કારણે હોમ ક્વોરન્ટાઈન કરાયેલી કુટુંબની સૌથી નાની સદસ્યા એવી માત્ર સાડા ચાર વર્ષની દીકરીને બે-ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી અને કુટુંબમાં એક કોરોના પોઝિટિવ કેસ હોવાથી ચિંતાગ્રસ્ત માતા-પિતાએ દીકરીનો ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો. આ માટે એક ખાનગી લેબને ફોન કરતાં તેમને જવાબ અપાયો કે અમને કોઈના ઘરે જઈને ટેસ્ટ કરવાની સત્તા નથી, તમારે બાળકીને અહીં લાવવી પડશે. ‘હોમ ક્વોરન્ટાઈન’ કુટુંબ એમની બાળકીને લઈને રૂબરૂ કોઈ લેબમાં કેવી રીતે જઈ શકે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો. આ સંજાગોમાં વ્હીસલ બ્લોઅર અને ‘ફાઈટ ફોર રાઈટ’ નામે ઝુંબેશ ચલાવતા એરપોર્ટ રોડ ખાતે રહેતા એક્ટિવિસ્ટ વિરેન શાહે આજે વડોદરા પાલિકાના આરોગ્ય અધિકારી અને ‘કોરોના’ના કંટ્રોલ રૂમ મનાતા ડો. દેવેશ પટેલને ફોન કર્યો હતો અને તા.રપમીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે તમામ લેબને રૂ.રપ૦૦ અને ઘરે આવીને ટેસ્ટ કરવાના રૂ.૩૦૦૦નો દર નક્કી કર્યાની જાહેરાત કરી છે. તો આ હોમ ક્વોરન્ટાઈન સાડા ચાર વર્ષની બાળાનો ટેસ્ટ કરવા કોઈ લેબ ઘરે આવવા કેમ તૈયાર નથી? એમ ૫ૂછયું હતું. આ તબક્કે ડો. દેવેશ પટેલે જણાવ્યું કે ભલે એવી જાહેરાત થઈ હોય પણ હજુ સુધી અમને એવી પરવાનગી નથી, એટલે તમારે એ બાળકીને ફરજિયાત કોઈ દવાખાનામાં દાખલ કરાવી ત્યાં એનો કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી એ બાળકીને એ દવાખાનામાં જ રાખવી પડશે. 

પ્રતિદિન લગભગ રૂ.રપ થી ૩૦ હજાર ખેરવી લેતા ખાનગી હોસ્પિટલમાં સાડા ચાર વર્ષની દીકરીને દાખલ કરીને રિપોર્ટ આવતા સુધીમાં લગભગ પ૦ થી ૭પ હજારનો ખર્ચ ભોગવવાના સંજાગો ઊભા થયા છે. સરકારી જાહેરાતને ખુદ પાલિકાના આરોગ્ય અધિકારી ગણકારતા ન હોય તો ખાનગી લેબ ક્યાંથી ગણકારે? એવો પ્રશ્ન ઊભો થતાં વિરેન શાહે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલને ફોન કર્યો. તેમણે ફોન તો લીધો, પરંતુ માંડ ૧૦-૧૫ સેકન્ડ વાત સાંભળી અને પોતે વ્યસ્ત છે એટલે વાત નહીં થાય એવું કહેવાની તસ્દી સુધ્ધાં લીધા વગર ફોન કાપી નાખ્યો. આથી વિરેન શાહે તેમને એસએમએસ દ્વારા વિસ્તૃત મેસેજ કર્યો અને આ ઘટના અંગે ‘ટ્‌વીટ’ પણ કરી હોવા છતાં આજે મોડી રાત સુધી હોમ ક્વોરન્ટાઈન બાળાના ટેસ્ટ અંગે સરકારી રાહે કાર્યવાહી થઈ નથી અને પોતાની વહાલસોયી દીકરીને બચાવવી હોય તો ખાનગી દવાખાનામાં દાખલ કરી વધુ એક મોટો આર્થિક જંગી ફટકો સહન કરવો પડે એવા સંજાગોએ એ કુટુંબ માટે નિર્માણ કરી આપ્યા છે. વિરેન શાહ પૂછે છે કે સરકાર લોકોને ‘આત્મનિર્ભર’ કરી રહી છે કે આત્મહત્યા કરવા મજબૂર કરી રહી છે?

આરોગ્યમંત્રીની જાહેરાતનું આ ઉલ્લંઘન છે : આરોગ્ય વિભાગ

વ્હીસલ બ્લોઅર વિરેન શાહે આ સમગ્ર મામલે તત્કાળ રાજ્યના આરોગ્યમંત્રીને ફોન કર્યો. આ તબક્કે તેમના સેક્રેટરીએ ફોન ઉપાડી સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી એમ સ્પષ્ટ જણાવ્યું કે, જા કોરોના ટેસ્ટ અંગે તમને જા આવો જવાબ મળ્યો હોય તો તે આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જાતે કરેલી જાહેરાતનું ઉલ્લંઘન છે, તમે આ અંગે તત્કાળ તમામ સંબંધિત સ્તરે આ ઘટનાની લેખિત જાણ કરો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution