સૌરાષ્ટ્ર-

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદના કારણે જામનગર જળબંબાકાર થઈ ગયું છે. જામનગરમાં મેઘરાજાએ જળ તબાહી મચાવી છે. વરસાદે જામનગરમાં એવી જળ તબાહી મચાવી છે કે જ્યાં જુઓ ત્યાં તબાહી તબાહી અને તબાહીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. રોડ પર નદીઓ વહી રહી છે. અનેક ગામમાં પાણીનું રાજ છવાઈ ગયુ છે. ઘરમાં પાણીએ સ્થાન બનાવી લીધું છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. વાહનો પાણીમાં રમકડાની માફક તરી રહ્યા છે. જામનગર જિલ્લાના અનેક ગામો જળમગ્ન થઈ જતા મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. જેમને રેસ્ક્યૂ કરવા માટે એરફોર્સ, SDRF તેમજ ફાયર બ્રિગેડની ટીમો વહેલી સવારથી કામ કરી રહી છે. ત્યારે બપોરે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે NDRFની ટીમને પણ મોકલવામાં આવી છે. બીજી તરફ ભારે વરસાદના કારણે જામનગર-રાજકોટ હાઇવે પરનો ખીજડિયા બાયપાસ બંધ થઈ ગયો.

રોડ પર પાણીની નદીઓ વહેતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. તો બીજી તરફ વંથલી ગામ પાસે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો. શહેર જ નહીં ગામડાઓ પણ બેટમાં ફેરવાયા. જામનગરના બાંગા આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામમાં પાણી એટલું ઘુસી ગયુ છે કે ગામના કાચા મકાન તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા છે. મકાનનો એક માળ આખો પાણીમાં ડૂબી ગયો છે. લોકો જીવ બચાવવા બીજા માળે ચડી ગયા. આ તરફ બાણુગારમાં 22 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે ચઢે છે. જામનગર-રાજકોટ હાઈવે બંધ થઇ ચૂક્યો છે. ગામના ગામ બેટમાં ફેરવાયા છે, તો લોકો જીવ બચાવવા માટે અગાસી પર ચડી ગયા છે.