27, મે 2021
વડોદરા : અત્યાર સુધી માત્ર મેડિકલ માફિયા તરીકેની છાપ ધરાવતા સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલના સંચાલક પિતા મનસુખ અને પુત્ર દીક્ષિત ભૂમાફિયા પણ હોવાનું બહાર આવ્યું છે. આજે કલેકટર કચેરી ખાતે મળેલી લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ૦ કેસોની ચર્ચા થઈ હતી જેમાં સૌથી વધુ ચર્ચા સુમનદીપ વિદ્યાપીઠે સરકારી જમીન સહિત પચાવી પાડેલી જમીનો અંગે થઈ હતી. ટૂંક સમયમાં મનસુખ શાહ અને પરિવાર સામે નવા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થશે.
કોરોનાકાળમાં પણ કમાણી કરવા માટે ધીરજ હોસ્પિટલના સંચાલકોએ દર્દીઓની સંખ્યા બતાવવામાં ગેરરીતિ કરી હોવાનું બહાર આવતાં ચોંકી ઊઠેલા તંત્રે ધીરજ હોસ્પિટલે સારવારના નામે ખોટી રીતે માગેલી રૂપિયા ર કરોડની રકમ અટકાવી કાર્યવાહી ચાલુ કરી છે. જેમાં નોટિસ આપ્યા બાદ પણ સ્પષ્ટતા કરવા હજુ સુધી ધીરજ હોસ્પિટલના માથાભારે અને ગુનો કરવાની ટેવ ધરાવતા મનસુખ અને દીક્ષિત હાજર થયા નથી.
દેખીતી રીતે સરકારી રૂપિયા હડપવાનું કૌભાંડ હોવા છતાં જવાબદાર તંત્ર પણ ફોજદારી રાહે કાર્યવાહી હજુ સુધી નહીં કરાતાં અનેક સવાલો ઊભા થયા છે અને પાછલા બારણે કુલડીમાં ગોળ ભાંગવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે કે શું? એવી શંકા સાથે ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ અગાઉ જિલ્લા પંચાયતે પણ સુમનદીપ વિદ્યાપીઠને આપેલી તમામ રજાચિઠ્ઠીઓ રદ કરી હતી અને બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો. ધીરજ હોસ્પિટલ, હોસ્ટેલ અને પાર્કિંગ સુધ્ધાં ગેરકાયદેસર રીતે બંધાયેલું હોવાનું તારણ નીકળ્યું હતું. જેમાં સરકારી રસ્તો અને સ્મશાનની જમીન, ગોચરની જમીન પચાવી પાડી હોવાનું બહાર આવ્યા બાદ લાખો સ્કવેર ફૂટનું પાકું બાંધકામ દૂર કરવાનો આદેશ કરાયો હતો. જિલ્લા પંચાયતે વિવિધ તબક્કામાં આપેલી રજાચિઠ્ઠીઓમાં શરતોનો ભંગ થાય એવા સંજાેગોમાં આપોઆપ રજાચિઠ્ઠી રદ થઈ હતી અને જિલ્લા પંચાયતે પણ એની સ્પષ્ટતા કરી બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો.બીજી તરફ મેડિકલમાં એડમિશનના નામે લાખો રૂપિયાની લાંચ લેવાના પ્રકરણમાં સુમનદીપના સંચાલક મનસુખ શાહ જેલવાસ પણ ભોગવી ચૂકયો છે અને હાલ જામીન ઉપર છૂટી પુનઃ ગોરખધંધા કરવા માંડયો છે. આવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવા છતાં કયા કારણોસર સરકારીતંત્ર મનસુખ શાહ અને તેના પુત્ર દીક્ષિત સામે પગલાં લેતાં અચકાય છે? એવા સવાલો ઊભા થયા છે.
મેડિકલ માફિયા બન્યા એ અગાઉથી જ મનસુખ શાહ ભૂમાફિયા બન્યો હતો અને વાઘોડિયા પોલીસ મથકે, લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ જમીન પચાવી પાડવાની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી. હાલની સુમનદીપ વિદ્યાપીઠનું જેટલું બાંધકામ છે એ પૈકીનું મોટાભાગનું ગેરકાયદે હોવાનું બહાર આવી ચૂકયું છે. ત્યારે અગાઉ મેડિકલ માફિયા તરીકે જેલમાં થઈ આવ્યા બાદ નવા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાશે અને ભૂમાફિયા પણ જાહેર થયા બાદ જેલમાં જાય એવા સંજાેગો ઊભા થયા છે.
ખાટલાના વેપાર બદલ સુમનદીપની અમદાવાદ કોલેજની પરવાનગી રદ થઈ હતી
વડોદરા. ખાટલાઓના વેપાર માટે સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકો ટેવાયેલા છે. અગાઉ અમદાવાદના ચાંદખેડા ખાતે સુમનદીપ દ્વારા નવી શરૂ થયેલી હોસ્પિટલમાં એમસીઆઈના ઈન્સ્પેકશન સમયે જ ડમી દર્દીઓ અંગેનો ભાંડો ફૂટતાં મેડિકલ કોલેજની પરવાનગી રદ થઈ હતી. તેમ છતાં નહીં સુધરેલા સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકો મનસુખ અને તેના પુત્ર દીક્ષિતે કોરોનાકાળમાં પણ ખોટી અને મોટી કમાટી કરવા માટે દર્દીઓની સંખ્યા વધારે બતાવી હોવાનું બહાર આવ્યું છે.
સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકો મેડિકલ માફિયા બન્યા ૫હેલાં ભૂમાફિયા બની ચૂકયા હતા
મેડિકલ માફિયા બન્યા એ અગાઉથી જ મનસુખ શાહ ભૂમાફિયા બન્યો હતો અને વાઘોડિયા પોલીસ મથકે, લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ જમીન પચાવી પાડવાની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી. હાલની સુમનદીપ વિદ્યાપીઠનું જેટલું બાંધકામ છે એ પૈકીનું મોટાભાગનું ગેરકાયદે હોવાનું બહાર આવી ચૂકયું છે. ત્યારે અગાઉ મેડિકલ માફિયા તરીકે જેલમાં થઈ આવ્યા બાદ નવા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાશે અને ભૂમાફિયા પણ જાહેર થયા બાદ જેલમાં જાય એવા સંજાેગો ઊભા થયા છે.