વડોદરા : વિશ્વામિત્રી અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપેલા સ્ફોટક ચુકાદાથી હરકતમાં આવી ગયેલા વડોદરાના મેયર, સ્થાયી અધ્યક્ષ અને ભાજપાના શહેર અધ્યક્ષે આજે ગુજરાત રાજ્યના સલાહકાર બાબુલાલ નવલાવાલા સાથે ગાંધીનગર ખાતે આ મુદ્દે વિસ્તૃત બેઠક કરી હતી. પરંતુ આજે ધારાસભ્યોનો દિવસ હોવાથી તથા સાંજે રાજ્યના તમામ ભાજપી ધારાસભ્યોની બેઠક હોવાથી વડોદરા શહેર-જિલ્લાના એક એક ધારાસભ્ય ગાંધીનગરમાં સદેહે હાજર હોવા છતાં તેમને આ બેઠકમાં સાથે નહીં રખાતા વડોદરા ભાજપમાં ફરી એક વધુ ભડકો થયો હોવાની વાત સપાટી પર આવી છે. એટલું જ નહીં ભાજપા શહેર પ્રમુખે ધારાસભ્યોને આ બેઠક અંગે અંધારામાં પણ રાખ્યા અને આમંત્રણ સુધ્ધા નહીં આપ્યુ એ અંગે ભાજપાના ટોચના અગ્રણીઓને ફરિયાદ સુધ્ધાં કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

વિશ્વામિત્રી નદી એ માત્ર વડોદરા શહેરમાંથી જ પસાર નથી થતી પરંતુ જિલ્લાના અનેક વિસ્તારોને આવરી લે છે ત્યારે આ મુદ્દો શહેર જિલ્લાના તમામ ધારાસભ્યો માટે અત્યંત મહત્વનો છે એટલું જ નહીં, ગ્રીન ટ્રીબ્યુનલે ચુકાદો આપ્યા પછી આ તમામ ધારાસભ્યો પણ આ મુદ્દે ચિંતિત બન્યા છે ત્યારે એમને બાકાત રાખી બારોબાર આવા સંવેદનશીલ મુદ્દે બેઠક કેવી રીતે થાય એવો પ્રશ્ન ઉપસ્થિત થયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા વખતથી પાલિકાની સત્તા હસ્તગત કરવા શહેર સંગઠનના પ્રમુખ ડો.વિજય શાહ અને મેયર કેયુર રોકડિયા વચ્ચે ઘમાસણ યુધ્ધ ચાલી રહ્યું હતું પરંતુ પ્રદેશ કક્ષાના નેતાએ ધમકીયુક્ત ચિમકી ઉચ્ચારતા કમને આ લડાઇ આટોપાઇ ગઇ હોવાનો દેખાવ ઉભો કરવા આજે આ બન્ને કટ્ટર વિરોધી મનાતા અગ્રણીઓ અને પાલિકામા શહેર ભાજપા પ્રમુખનું મહોરું ગણાતા સ્થાયી અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાબુલાલ નવલાવાલા પાસે માર્ગદર્શન મેળવવા બેઠક કરી હતી. જાેકે આ બેઠકથી આ બે નેતાઓ વચ્ચે સમાધાન થઇ ગયાનો ભ્રમ ભલે ઉભો થયો હોય પરંતુ આ બેઠકે હવે આ બે નેતાઓ અને શહેર જિલ્લાના ધારાસભ્યો વચ્ચે યુદ્ધ છેડી દીધાની છાપ ઉભી થઇ છે. પ્રદેશ ભાજપાને વડોદરાના રાજકરણમાં એક સાંધો ત્યા તેર તુટે એવી સ્થિતિમાં સતત રહેવું પડતું હોવાની ચર્ચા પ્રદેશ કક્ષાએ પણ ગંભીરતાથી કરાઇ રહી છે અને આ પરિસ્થિતિ વારંવાર કોના કારણે નિર્માણ થાય છે તે

પણ હવે તમામ સ્તરે સમજાઇ

ચુક્યું છે.

છેલ્લા ૧૩ વર્ષથી સરકાર અને મુખ્યમંત્રીના સલાહકાર બાબુલાલ નવલાવાલા સાથે વિશ્વામિત્રી અંગે માર્ગદર્શન માગવા ગયેલ અને ગાંધીનગરમાં હાજર હોવા છતાં ધારાસભ્યને સામેલ કરવાનું ટાળનાર શહર ભાજપા અધ્યક્ષ અને મેયર પોતે માર્ગ ભુલ્યા હોવાની ચર્ચા થઇ રહી છે.

પર્યાવરણવાદી કાર્યકરને કોણે બોલાવ્યાં?

નવલાવાલા સાથેની આ બેઠકમાં વડોદરાના એક પર્યાવરણવાદી અગ્રણીને પણ હાજર રખાયા હતાં. આશ્ચર્યની વાત તો એ છે કે આ બેઠકમાં તેઓ હાજર રહેશે એ વાત છેલ્લા સુધી છુપાવવામાં આવી હોવાનું કહેવાય છે. આ પર્યાવરણવાદી કાર્યકરને કોના આમંત્રણથી આ બેઠકમાં લઇ જવાયા એ પ્રશ્ન પણ ચર્ચાના એરણે છે.