14, ડિસેમ્બર 2020
મહેસાણા-
મહેસાણાની દૂધસાગર દેરીમાં થયેલા સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચોધરી ની ધરપકડ થતા હાલમાં મહેસાણામાં કલમ 144 દાખલ કરી દેવામાં આવી છે, મહેસાણા જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને કલમ 144 અમલમાં મુકવામાં આવી છે, જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 144 કલમ હેઠળ ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, કહેવામાં આવે છે કે મહેસાણામાં પશુપાલકોની રેલીને ધ્યાનમાં લઈને આ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિપુલ ચોધરીની ધરપકડ બાદ તેના સમર્થકો દ્વારા આજે રેલી કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી માટે શહેરમાં અરાજકતા ના ફેલાય તે માટે 144 ની કલમ નાખી દેવામાં આવી છે. ધરપકડ બાદ વિપુલ ચોધરીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
કહેવામાં આવે છે કે જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે મહારાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો હતો તે સમયે મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા ઠરાવ પાસ કર્યા વગર સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યું હતું, જેમાં ફેડરેશન દ્વારા રૂપિયા 22.50 કરોડનો ખર્ચ આપવાની નાં પાડતા ડેરીના કર્મચારીઓને આપવામાં આવેલા વધારાના પગારને પરત ખેંચીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો કેસ હજી સુધી ટ્રીબ્યુનલ કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યારે વિપુલ ચોધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા અને શરદ પવાર કેન્દ્રીય કૃષિમંત્રી હતા ત્યારે આ કૌભાંડ સર્જાયું હતું.