અમદાવાદ-

રાજ્યમાં ઠંડીની વિદાય થઈ રહી છે ત્યારે ફરીવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે માવઠું થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 'અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફેબ્રુઆરીના હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 18-19 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આ સિવાયના મોટા ભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થઇ શકે છે. 'વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગત રાત્રિએ 9 ડીગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું.

હવામાન વિભાગ પ્રમાણે, હજુ પણ ઠંડીનો ચોથો તબક્કો આવે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે. જોકે તાપમાન બહુ નીચું જવાની સંભાવના ઓછી છે. ફેબ્રુઆરીના અંતમાં ઉનાળાની શરૂઆત થવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે, જયારે લઘુતમ તાપમાન પણ ઊંચકાતાં ધીમે-ધીમે શિયાળો વિદાય લઇ રહ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં તાપમાન 4 ડીગ્રી સાથે ગત રોજ કરતાં પોઈન્ટ છ ડીગ્રી જેટલું ઊંચકાયું હતુ. ત્યારે દિવસ દરમિયાન તાપમાન 24 ડીગ્રી નોંધાયું હતું.