આધેડની હત્યાનો ભેદ ઉકેલાયોઃ મિત્રએ જ હત્યા કરી હોવાનો ખુલાસો
03, જુન 2021

સુરત-

ગોડાદરામાં આંગણવાડીના કંપાઉન્ડમાં આધેડની મિત્રએ જ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. લોખંડની ચોરી અને રસોઇ બનાવવાના ઝઘડામાં લાકડાનો ફટકો માથામાં મારી મિત્રને મોતને ઘાટ ઉતારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે સવારે ગોડાદરા, ચિન્મય રો હાઉસમાં પાસેની નંદઘર આંગણવાડીના પરિસરમાંથી અજાણ્યાની લાશ મળી આવી હતી. પોલીસે લાશને પીએમ માટે સ્મીમેર ખસેડી હતી. પીએમ રિપોર્ટમાં માથામાં લાકડાનો ફટકો કે દંડો મારી હત્યા કરાઈ હોવાનો અભિપ્રાય અપાતા ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી હતી. બીજી તરફ મૃતકના સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફોટાના આધારે નંદલાલગણા ચૌહાણ તરીકે ઓળખ થઇ હતી. મુળ મધ્યપ્રદેશના વતની નંદલાલનો પરિવાર કડોદરામાં શ્રીનિવાસ એપાર્ટમેન્ટમાં રહે છે. નંદલાલ છેલ્લાં ૧૦ વર્ષથી સુરત રહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા. હાલ તેઓ લિંબાયતમાં રહેતા હતા. વારંવાર મકાન બદલતા હોય ચોક્કસ રહેણાંક સ્થળનો પરિવારને પણ ખ્યાલ ન હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, નંદલાલની હત્યા મિત્ર જગન ઉર્ફે શંકર મંછારામ નાયક (ઉં.વ.૩૫, રહે- પરવટ ગામ ખુલ્લા પ્લોટમાં. મુળ મહારાષ્ટ્ર)એ કરી છે. જગન પણ મજૂરી કામ કરે છે અને તે નંદલાલ સાથે જ રહે છે. બંને વારાફરતી ઘરમાં રસોઇ બનાવે છે. જાેકે, નંદલાલ પોતાનો વારો આવે ત્યારે રસોઇ બનાવતો ન હતો. જે મુદ્દે વારંવાર તેનો નંદલાલ સાથે ઝઘડો થતો હતો. ઉપરાંત, નંદલાલ પતરા, વાસણ સહિતની લોખંડની ચીજવસ્તુ વારંવાર ચોરી લાવતો હતો. જે મુદ્દે પણ જગત તેને ટકોર કરી ઠપકો આપ્યો હતો. આમ, રસોઈ બનાવવામાં અને ચોરી કરવાના મુદ્દે માથાકૂટ થતી હોય આખરે કંટાળીને જગને લાકડાના ફટકા મારી નંદલાલને પતાવી દીધો હતો. એક મહિલાએ ઘટના પહેલાં બંનેને સાથે જાેયા હોય પોલીસે કરેલી ઉલટતપાસમાં ભેદ ઉકેલાય ગયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution