નદીકાંઠા વિસ્તારના ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર
17, ઓગ્સ્ટ 2020

વડોદરા, તા.૧૬ 

વડોદરા શહેરમાં સતત ચાર દિવસથી વરસી રહેલા સતત વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.ગત વર્ષના અનુભવને લઈને તેમજ આ વર્ષે નર્મદા મંત્રી યોગેશ પટેલના આગોતરા આયોજનને કારણે વરસાદના પાણી ભરાવવાની સમસ્યાને લઈને નાગરિકોને વધુ પડતી મુશ્કેલીઓ પડી નહોતી.જે નીચાણવાળા વિસ્તારો જેવા કે પરશુરામ ભઠ્ઠા અને અન્ય વિસ્તારોમાંથી ૫૦૦થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે પૈકી ૨૪૭ ને સયાજીગંજ વિસ્તારમાં આવેલ મગનભાઈ પટેલ શાળામાં ઉતારો આપવામાં આવ્યો હતો.જો કે એ પૈકી મોટાભાગના લોકો પાણી ઉતરતા પોટ પોતાના ઘરે પરત ફર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.આ ઉપરાંત કારેલીબાગ એલએન્ડટી સર્કલ પાસે આવેલ જલારામનગરના ૧૬ પરિવારોના ૪૦ વ્યક્તિઓને વીઆઈપી રોડની સરદાર પટેલ સ્કૂલ ખાતે સ્થળાંતર કરાયું છે.જ્યારે સલાટવાડા તુલસીબાઇની ચાલીના ૨૦ને વીરબાઈ પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરિત કરાવીને આશરો આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કારેલીબાગ મુકતાનંદ પાસે આવેલ ઉત્કર્ષ પેટ્રોલ પમ્પ સામેના નદી કિનારાના ગાંધી કોતર તલાવડીમાં રહેતા અંદાજે ૬૦ પરિવારોની ૧૮૩ વ્યક્તિઓને વરસાદ અને પુરનાં પાણીને કારણે અસરગ્રસ્ત બનતા તેઓને માટે સવાર સાંજના જમવાની વ્યવસ્થા પાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે.આમ આ વર્ષે તંત્ર કરતા પ્રજા વધુ સાવધ રહેતા અને નર્મદા મંત્રીના પ્રયાસોને લઈને અસરગ્રસ્તોની સમસ્યા નહિવત જોવા મળી રહી છે.

સલાટવાડામાં મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી

છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદને પગલે ઘણાબધા વિસ્તારોમાં આવેલા જુના બાંધકામ ધરાવતા સંખ્યાબંધ મકાનો પડી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ગઈકાલે જ સલાટવાડા શાક માર્કેટ પાસેના એક મકાનનો વચ્ચેનો ભાગ પડી ગયો હોવાનો કાૅલ ફાયર બ્રિગેડને મળતા લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતા મકાનની બહારની બાજુ ૬ દુકાનો આવેલી હોવાનું તેમજ ઘરમાં કોઈ રહેતું ન હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદને પગલે મકાનનો વચ્ચેનો ભાગ બેસી ગયો હતો. જોકે, કોઈપણ પ્રકારની જાનહાની કે માલહાણી નોંધાઈ ન હતી. આ ઉપરાંત રાવપુરા ભાવે ના વાડામાં એક જર્જરિત મકાન પડી ગયું હોવાની વર્ધી મળતા ફાયર બ્રિગેડના લાશ્કરો તપાસ કરવા પહોંચ્યા હતા. તપાસ કરતા મકાન તો પડ્યું ન હતું, પરંતુ તે જર્જરિત હાલતમાં હોવાથી આ અંગે વોર્ડ નં.૫ ના કાર્યપાલક ઈજનેરને આ અંગે જાણ કરી ર્નિભયતા શાખાના સ્ટાફને મોકલવાનું જણાવવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution