અમદાવાદ-

ગઈકાલે રાત્રીથી આજે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતમાં ભૂકંપના ૬ આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે , કાલે રાત્રિના ૧૨ : ૦૦ વાગ્યે કચ્છના ભચાઉમાં ૧.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી ૧૨ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ નોંધાયું હતું. જયારે રાત્રીના ૧ : ૧૧ વાગ્યે જામનગરમાં ૧.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ જામનગર થી ૨૩ કિલોમીટર દૂર પશ્ચિમ દિશા તરફ હતું. 

ત્યારબાદ વહેલી સવારે ૪ : ૦૬ વાગ્યે ફરી પાછો જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ૧.૯ ની હતી જેનું કેન્દ્ર બિંદુ જામનગર થી ૨૪ કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ હતું. આજે સવારે ૬ : ૩૦ વાગ્યે ગુજરાતના ઉકાઈ ખાતે ૧.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ ઉકાઈથી ૪૧ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું આ ભૂકંપ બાદ સવારે ૭ : ૨૫ વાગ્યે ફરી પાછો ઉકાઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ૧.૮ ની હતી. આ ઉપરાંત આજે સવારે ૯ : ૦૩ વાગ્યે કચ્છના રાપરમાં ૧.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ રાપર થી ૨૦ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું. આવી રીતે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં રાત્રિના ૧૨ વાગ્યાથી માંડીને સવારના ૯ વાગ્યા સુધીમાં ભૂકંપના હળવા છ આંચકા અનુભવાયા હતા જોકે હળવા આંચકા હોવાથી અને રાત્રીના ધરા ધ્રુજતા લોકોને ખાસ કોઈ અસર થઈ નહોતી ‌.