દેશના કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર અતૂટ વિશ્વાસ છેઃ સી.આર.પાટીલ
13, ડિસેમ્બર 2020

ગાંઘીનગર-

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના કરોડો ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓના સંદર્ભમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપાના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખો, સાંસદો, જિલ્લા/મહાનગરના ભાજપા પ્રભારીઓ/ પ્રમુખો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ચ્યુઅલ પ્રદેશ બેઠકને સંબોધતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપાની સરકાર બની ત્યારથી જ મોદી સરકારે ખેડૂતોની સમસ્યાઓનો તલદર્શી અભ્યાસ કરીને ખેડૂતોના ઉદ્ધાર અને ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય લઈને કેન્દ્રની ભાજપા સરકારે ખેડૂતોના હિતમાં નોંધપાત્ર કૃષિ સુધારા કર્યા છે. ભાજપાની સરકાર અને સંગઠન બંનેને દેશની સરહદોની રક્ષા કરતા જવાન અને અને અન્નદાતા એવા ખેડૂતો માટે અપાર સન્માનની લાગણી છે. 

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજે દેશના કરોડો ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા અમલી બનાવાયેલા કૃષિ સુધારાઓ અંગે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોના દોરીસંચાર હેઠળ ખેડૂતોને ગેરમાર્ગે દોરી, અધુરી માહિતી સાથે મન ફાવે તેવું અર્થઘટન કરીને તેમને ભ્રમિત કરવાના કુપ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હિતની બાબતમાં પણ અમુક રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકી રહ્યા છે તે અત્યંત શરમજનક બાબત છે, રાજકીય હિત માટે આજે દેશના ખેડૂતોને હાથો બનાવવાનું દુષ્કાર્ય કરવામાં આવી રહ્યું છે. મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલા કૃષિ કાયદાઓમાં સમાવિષ્ટ મુદ્દાઓને અમલી બનાવવાની માંગ એક સમયે ખુદ કોંગ્રેસે કરી હતી અને જણાવ્યું હતું કે , ખેડૂતોના ઉત્થાન માટે આ નવા કાયદા અમલી બનાવવા જરૂરી છે, તે જ કોંગ્રેસ આજે ખેડૂતોના નામે નિમ્નસ્તરની રાજનીતિ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution