નવી દિલ્હી-

મ્યાંમાર નામના ભારતના રળિયામણા, ટચૂકડા દ્વિપ સમા દેશને આજકાલ કોઈક ગ્રહણ લાગ્યું છે. આમ તો અહીં કેટલાંક લોકતંત્રને સમર્પિત નેતાઓ દ્વારા આંતરરાષ્ટ્રીયસ્તરે દેશની ખૂબ સારી છાપ છે પરંતુ રવિવારે એકાએક બદલાયેલા સમીકરણોએ દેશની તાસીર બદલી નાંખી છે. ભારત સહિતના વિદેશોએ અહીં ચાલી રહેલી ગતિવિધિ પર નજીકથી ધ્યાન આપીને તેના પર ચિંતા વ્યક્ત કરી છે. 

સવાલ એ છે કે, મ્યાંમારને અસ્થિર કરનાર કોણ છે. આ તમામ ઘટનાક્રમ પછી હવે બધાની નજર સેનાના સિનિયર જનરલ મિન આંગ લાઈંગ પર આવીને ટકી છે. તખ્તાપલટ કરીને સેનાએ આ સેનાધિકારીના હાથમાં દેશનો કારભાર સોંપ્યો છે. તખ્તાપલટના કલાકો પછી એક નિવેદન આપીને જણાવાયું હતું કે, દેશમાં હવે કાનૂન, ન્યાય અને પ્રશાસન સહિતના તમામ નિર્ણયો આ સેનાધિકારી જ લેશે. 

સેનાની કેટલી તાકાત છે

મ્યાંમારમાં સેનાનો કાયમ દબદબો રહ્યો જ છે. 1962માં તખ્તાપલટ પછી દેશ પર સીધી રીતે સેનાએ લગભગ 50 વર્ષો સુધી રાજ પણ કર્યું છે. અહીં લોકતાંત્રિક વ્યવસ્થાની માંગ ઉઠતાં સેના જ અહીં બંધારણનો પ્રસ્તાવ લાવી હતી. આ નવા સંવિધાનમાં પણ નેતા તેમજ વિપક્ષ સહિતની બંધારણીય વ્યવસ્થા કરાઈ પરંતુ સેનાધિકારીને કોઈ બાબતે ઉત્તરદાયી બનાવાયા નહોતા. સેનાના અધિકારીને પોતાના માણસોની નિયુક્તિ માટે અંતિમ અધિકારો આપી દેવાયા હતા. અહીં કોઈપણ કાનૂન સરકાર લાવી શકે પણ તેને લાગુ સેનાધિકારી જ કરી શકે છે. પોલીસ, પ્રશાસન અને સીમાસુરક્ષાદળ આ તમામનું નિયંત્રણ સેનાપ્રમુખની પાસે જ હોય છે. કોઈપણ સંવૈધાનિક જોગવાઈ પર સેના પ્રમુખને વીટો પાવર અપાયો છે અને સેનાધિકારી જ ચૂંટાયેલી સરકારને બરખાસ્ત પણ કરી શકે છે. 

સેનાપ્રમુખ કાનૂનના સ્નાતક

જેમને તખ્તાપલટ બાદ ગાદીએ બેસાડાયા છે એ 64 વર્ષીય સેનાપ્રમુખ મિન આંગ લાઈંગે કાનૂનનો અભ્યાસ કર્યો છે. 1972-74 સુધી તેમણે યંગૂન યુનિવર્સિટીમાં કાનૂની અભ્યાસ કર્યો છે. ત્યારે તેઓ ખૂબ જ ઓછાબોલા હતા. 

ત્રીજા પ્રયાસે સેના એકેડમીમાં પ્રવેશ

લાઈંગે અભ્યાસ પૂરો કર્યો એ પહેલા કોલેજકાળમાં પણ તેઓ વિદ્યાર્થી પ્રદર્શનોમાં આગળ પડતો ભાગ લેતા. છતાં અભ્યાસ બાદ તેમણે સેનાની એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કર્યો ત્યારે બે વાર તેમને નિષ્ફળતા મળી હતી. આખરે વર્ષ 1974માં તેમને સેનાની એકેડમીમાં પ્રવેશ મળ્યો હતો. મિલિટરી યુનિવર્સિટી ડિફેન્સ સર્વિસ એકેડમી-ડીએસએ-માં તેઓ એક સામાન્ય કેડેટ હતા પણ તેઓ ધીમી છતાં મક્કમ ગતીએ આગળ વધી રહ્યા હતા. 

2011માં સેના પ્રમુખ બનેલા લાઈંગે મોટાભાગનો સમય પૂર્વ સીમા પર વિદ્રોહીઓ સામે લડવામાં કાઢ્યો હતો.આ વિસ્તાર લઘુમતિના શોષણ માટે જાણીતો છે. 2009માં દેશના ચીન સાથેના સરહદી વિસ્તાર કોકોંગમાં સશસ્ત્ર જૂથો સામે ઓપરેશન શરૂ કર્યું અને એક અઠવાડિયામાં જ અહીંથી વિદ્રોહીઓને દેશની બહાર તગેડી દઈને તેમણે મોટું નામ કાઢ્યું હતું જેને પગલે તેઓ સમાચારોમાં છવાઈ ગયા હતા. 

2016માં જ્યારે આંગ સાન સૂ કીનો પહેલો કાર્યકાળ શરૂ થયો ત્યાં સુધીમાં લાઈંગ એક શાંત રહેનારા સૈનિકમાંથી રાજનેતા અને લોકપ્રિય નેતા તરીકે આગળ આવ્યા હતા અને દુનિયાભરના દેશોને આશા બંધાઈ હતી કે, અહીં હવે સેના લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી નહીં કરે. પરંતુ એવું થયું નહોતું.

લાઈંગ કાયમ રાજનીતિમાં સેનાની દખલગીરીની તરફેણ કરતા હતા અને તેમણે કહ્યું હતું કે, લોકતાંત્રિક સરકારની કોઈ સમયમર્યાદા ન હોય. એ પાંચ વર્ષ પણ રહે અને દસ વર્ષ પણ. આંગ સાન સૂ કીને વડાપ્રધાન બનતા રોકે એવું કાનૂન સંશોધન તેઓ કરશે એવો ત્યારે કોઈને અણસાર પણ નહોતો. 

2016માં તેમણે પોતાનો કાર્યકાળ પાંચ વધુ વર્ષ સુધી વધારી દીધો હતો અને ફેસબૂક-ટ્વિટર દ્વારા પોતાની લોકપ્રિયતા વધારી દીધી હતી. બૌદ્ધ મઠોમાં સાધુઓને તેમજ દેશ-વિદેશના પ્રતિનિધિઓ અને રાજનેતાઓને મળીને તેમણે પોતાનો ખૂબ પ્રચાર શરૂ કરી દીધો હતો. 2017માં રોહિંગ્યા લઘુમતિ મુસ્લીમો સામેની કાર્યવાહીને પગલે તેમના ટ્વિટર અકાઉન્ટને બેન કરી દેવાયું હતું.

રોહિંગ્યા મુસ્લીમો સામેની કામગીરીને પગલે તેઓ કુખ્યાત થયા હતા. કહેવાય છે કે, તેમની કાર્યવાહીને પગલે સાતેક લાખ રોહિંગ્યા મુસ્લીમોએ બાંગ્લાદેશ ભાગી જવું પડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની તપાસ ટીમે અહીં લઘુમતિ રોહિંગ્યા મુસ્લીમોની સામૂહિક હત્યા અને ગેંગરેપ થયા હોવાનો હેવાલ આપતાં તેઓ બદનામ થયા હતા. 

તેને પગલે 2019માં અમેરીકાએ મ્યાંમારની સેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને સાથે જ બ્રિટને પણ એમ કર્યું હતું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આંગ લાઈંગ મિંગ સામે કેસ ચાલી રહ્યો છે. એ જ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ મ્યાંમારની સેના પર પ્રતિબંધ લગાડવા દુનિયાભરના દેશો અને તે દ્વારા તેમની સેનાઓને અનુરોધ પણ કર્યો હતો.