હળવદ, બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીની માહિતી મળતા ખાણ ખનીજ વિભાગ ટીમે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી લોડર મશીન, ટાટા કંપનીનું એક્ઝવેટર મશીન, ટ્રેક્ટર, ડમ્પર મારફતે ૨,૧૧,૪૮૨.૧૧ મેટ્રિક ટન સાદી રેતીનું ખનન કરી રેતીચોરી કરવામાં આવી રહી હોવાથી ટીમે ૭.૧૫ કરોડની કિંમતની ખનીજ ચોરી મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી ખાણ ખનીજ કચેરીના માઈન્સ સુપરવાઈઝર જી.કે ચંદારાણાએ હળવદ પોલીસ મથકમાં લોડર મશીનના માલિક, ટાટા કંપનીનું એક્ઝવેટર મશીનના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીના પટમાંથી રેતી ચોરી કરવામાં આવતી હોવાથી ડ્રોન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી. જે વિસ્તારમાં સાદી રેતી ખનીજના કુલ ૧૬ બ્લોક પાડવામાં આવેલ છે. જેની ઈ હરાજી માટે ક્રમશ તારીખ ૩૦/૦૯/૨૦૨૧ તથા ૨૧/૧૨/૨૦૨૧ના રોજ વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવી છે. જેની હરાજી પ્રક્રિયા હાલ ચાલુ છે ત્યારે ડ્રોન સર્વેલન્સ કામગીરી દરમિયાન ચાડધ્રા ગામમાંથી પસાર થતી નદીના પટ વિસ્તારમાં વાહનો જાેવા મળ્યા હતા. જેમાં નદીના પટમાં બિન અધિકૃત રીતે ખનીજ ખનન કરતી ૦૫ નાવડીઓ, એક લોડર મશીન, એક એક્ઝવેટર મશીન અને બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વાહન અને નંબર પ્લેટ વગરના ૦૪ ટ્રેક્ટર, રજીસ્ટ્રેશન વગરનું ડમ્પર મળી આવ્યું હતું. જેના દ્વારા બિનઅધિકૃત રીતે ખોદકામ કરી રેતી ચોરી કરવામાં આવી રહી હોવાથી મોરબી ખાણ ખનીજ વિભાગે વાહનો તેમજ ખનીજ ખનન કરવા બદલ વસુલવા પાત્ર દંડની રકમ પ્રતિ મેં.ટનના રૂ. ૨૪૦ લેખે કુલ રૂ. ૫,૦૭,૫૫,૭૦૭ અને કુલ ૨,૧૧,૪૮૨.૧૧ મેં. ટનના ૨,૦૮,૦૯,૮૪૦ પર્યાવરણીય નુકશાન વળતરની રકમ મળવા પાત્ર થાય આમ કુલ રૂ ૭,૧૫,૬૫,૫૪૭ની સાદી રેતી ખનીજ ચોરી થયાનું જાણવામાં આવેલું છે. ટીમ પહોંચે તે પૂર્વે આરોપીઓ નાસી ગયા હતા. ત્યારે સ્થળ પરથી પાંચ યાંત્રિક નાવડીઓ, એક લોડર મશીન, ૪ ટ્રેક્ટર, એક ડમ્પર સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. હળવદ પોલીસે ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝરની ફરિયાદને આધારે વાહનના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.