સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પ્રવૃતિઓ અટકવાનું નામ નથી લેતી, બીજી તરફ પેધી ગયેલા ખનન માફિયાઓ પણ અધિકારીઓને દાદ દેતા નથી. આજે તો પોલીસ અને ખાણ ખનીજ વિભાગને શરમમાં મૂકી દે તેવી ઘટના બની છે. સુરેન્દ્રનગર - સાયલા બાયપાસ રોડ ઉપર ખનીજ ભરેલું ઓવરલોડ ડમ્પર જપ્ત કરવા ગયેલા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને ખનન માફિયાઓએ ઘેરી લીધા હતા. જેના પગલે પોલીસ દોડી ગઈ હતી. “આજ તો મારવાના થાય જ છે” તેમ કહીં બનેલા ખનન માફિયાઓએ રોફ જમાવ્યો હતો. અધિકારીઓને ધમકી આપી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર સાયલા બાયપાસ રોડ ઉપર ખનીજ ભરેલ ડમ્પર ઓવરલોડ હોવાના કારણે તેને જપ્ત કરવા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરવા સ્થળ પર હતા ત્યારે ડમ્પરના ડ્રાઇવરે તેના માલિકોને જાણ કરી દીધી હોય, કારો-ગાડીઓમાં ખનન માફિયાઓની ટોળકી અધિકારીઓ પાસે પહોંચી ગઈ હતી. અને કાયદો કે સરકારી તંત્રથી કોઈ દર ન હોય તેમ બેફામ અધિકારીઓને અપશબ્દો ભાંડયા હતા. જે સાથે પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. આ ઘટનાનો કોઈએ વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લેતા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ શરમમાં મૂકાયું છે. કારણ કે ખનન માફિયા જે રીતે અધિકારીઓને ધમકાવી રહ્યા હતા તે જાેઈએ તો આ વિસ્તારમાં જાણે પોલીસ કે અન્ય કોઈ સરકારી તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વીડિયોમાં બેફામ અપશબ્દો સંભળાય રહ્યા છે. ઉપરાંત ખનન માફિયાઓમાંથી કોઈ અધિકારીઓને ધમકી આપી રહ્યા છે કે “આજ તો મારવાના થાય જ છે.” આ ઘટનાઓનો વીડિયો ઊચ્ચ અધિકારીઓ પાસે પણ પહોંચ્યો હોય, આગામી દિવસોમાં ખનન માફિયાઓ સામે મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ તો નવાઈ નહીં.ખનન માફિયા કાયદો, તંત્ર અને તંત્રના અધિકારીઓથી ડરે કે ન ડરે , પરંતુ અધિકારીઓ ધમકીઓથી ડરી ગયાની શકયતાઓ ચર્ચાઈ રહી છે. કારણ કે, બનાવ બાદ દોડી ગયેલી પોલીસે સમાધાનના પ્રયાસ હાથ ધર્યા હતા. બન્ને પક્ષે વાતચીત કરી ડમ્પરમાં ૧૦ ટન ગેરકાયદે ખનન સામગ્રી હોય પરંતુ મેમો ફક્ત ૨ ટનનો આપવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.