ઝાલોદ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના દાહોદ જિલ્લાના પ્રવાસના દિવસે રૂ. ૨૨ કરોડના ખર્ચથી નવનિર્મિત દાહોદ સબ જેલનું લોકાર્પણ અને ઝાલોદ ખાતે રૂ. એક કરોડના ખર્ચથી બનનારી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ભૂમિપૂજન કર્યું હતું. ઝાલોદ ખાતે યોજાયેલી એક નાની સભામાં જાડેજાએ ગુજરાતની સમૃદ્ધિ પાછળ અહીંની શાંતિ અને સલામતી મુખ્ય પરિબળ હોવાનું કહ્યું હતું. તેમણે ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ સ્વ. હિરેન પટેલના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી.  

અહીં યોજાયેલી સભામાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુંડા તત્વોની સાન ઠેકાણે લાવવા અને અસમાજિક તત્વોને ઝેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સમયથી સાથે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુંડા તત્વો ગુજરાત છોડે, એ કાર્યમંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વની સરકારે ગુંડા નાબૂદી ધારો અમલ લાવ્યો છે.

તેમણે પોલીસની કાર્યનીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, ગુજરાતની શાંતિ, સુરક્ષા અને સલામતી જાેખમમાં મૂકતા લોકોને નશ્યત કરવામાં કોઇ જ પ્રકારની પાછી પાની કરવામાં નહીં આવે. પહેલા એવો વખત હતો કે ગુજરાતમાં છાશવારે તોફાનો થતાં હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ બૂલેટપ્રૂફ વાહનમાં કાઢવી પડતી હતી. પરંતુ, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને પોતાની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી ગુજરાતમાં કાયમી શાંતિ આવી છે. ગુજરાતમાં આજે વિકાસનું રોલમોડેલ છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા સહિતની બાબતમાં ગુજરાત અવ્વલ છે. તેની પાછળનું મુખ્ય કારણ અહીં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ છે. જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે જરૂર પડે ત્યાં કાયદાઓમાં સુધારા વધારા કરી પોલીસ તંત્રને વધુ સક્ષમ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પાસા એક્ટને વધુ સશક્ત કરવામાં આવ્યો છે. જુગારના અડ્ડાઓ ચલાવતા તત્વોને સામે પણ હવે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.