આણંદ : જવાહર નવોદય વિદ્યાલય ભાદરણમાં શાળાનો ચાલુ વર્ષે મળનારી વીએમસી અને વીએસી મીટિંગ જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. 

આ મીટિંગમાં આણંદ સાંસદના પ્રતિનિધિ ડૉ. વીરેન્દ્રસિંહ મહિડા, જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ હેમંતભાઈ પટેલ, કાર્યપાલક ઈજનેરના પ્રતિનિધિ કે.કે. પટેલ, જિલ્લા સિવિલ સર્જનના પ્રતિનિધિ ડૉ. રાજેશ ઠક્કર, ઉ.બુ. વિ.ના આચાર્ય એચ.આર. નાણેચા અને વાલી પ્રતિનિધિ શિલ્પાબેન પટેલ અને દશરથ સોલંકી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

વીએમસી અને વીએસી મીટિંગમાં શાળાના આચાર્ય ડૉ.વી.મુનિરમૈયાએ શાળાની ઉન્નતિ અંગે જણાવી બાળકોના શિક્ષણ અને ઉન્નતિ માટે શાળામાં ખૂટતાં વર્ગો, ઈન્ટરનેટની સુવિધાનો અભાવ, વીસ કમ્પ્યુટર, એનસીસી ફાયરિંગ રેંજ માટે જમીન, ડિજિટલ વર્ગખંડ, વિદ્યાલય વાહન વગેરેની ખૂટતી કડીઓ અંગે રજૂઆત કરી હતી.

આ રજૂઆતના સંદર્ભ ચેરમેન અને જિલ્લા કલેકટર આર.જી. ગોહિલે પૂર્ણ કરવાનું આશ્વાસન આપી વિદ્યાલયના વિકાસ માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. મહાનુભાવોએ મીટિંગ બાદ શાળાના છાત્રાલય, શૈક્ષણિક ખંડ, ભોજનાલય, રમત-ગમતનું મેદાન વગેરેની મુલાકાત લઈને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.